Fact Check - મોદીની ચૂંટણીસભાની એ તસવીર જેમાં મમતા બેનરજીની ઊંઘ ઉડાડવાનો દાવો છે

ગુરુવાર, 18 એપ્રિલ 2019 (11:32 IST)
ફેસબુક અને ટ્વિટર પર આ તસવીર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણીસભાની ગણાવીને શૅર કરવામાં આવી રહી છે. દક્ષિણપંથી વલણ ધરાવતા સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં ઘણાં લોકોએ એવો દાવો કર્યો છે કે આ તસવીર પશ્ચિમ બંગાળમાં 11 એપ્રિલના રોજ યોજાયેલા પહેલા તબક્કાના મતદાન અગાઉની છે. મોટાભાગના સોશિયલ મીડિયા યૂઝર્સે આ તસવીરને વડા પ્રધાન મોદીની કૂચબિહારમાં યોજાયેલી ચૂંટણીરેલીની ગણાવી છે. 'નરેન્દ્ર મોદી 2019'નામના પબ્લિક ગ્રૂપમાં એક યૂઝરે લખ્યું છે, "આ પશ્ચિમ બંગાળમાં ભાજપની રેલીનું દૃશ્ય છે. કૂચબિહારની રેલી. આજે તો મમતા બેનરજીની ઊંઘ ઊડી ગઈ હશે."
social media
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળ ભાજપને રાજ્યની 42માંથી ઓછામાં ઓછી 23 બેઠક જીતવાનું લક્ષ્ય આપ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓના પ્રમાણે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ 'અબ કી બાર પશ્ચિમ બંગાળ' પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. પરંતુ વાઇરલ તસવીરમાં ભગવા રંગના કપડા પહેરેલા લોકોને જોઈને જે લોકો તેને વડા પ્રધાન મોદીની રેલી ગણાવી રહ્યા છે, તેમનો દાવો ખોટો છે. આ તસવીરનો ભારતીય જનતા પક્ષના કોઈ કાર્યક્રમ સાથે સંબંધ નથી.
 
પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 એપ્રિલ 2019ના રોજ ચૂંટણીસભા યોજી હતી. પરંતુ રિવર્સ ઇમેજ સર્ચથી ખબર પડે છે કે જે વાઇરલ તસવીરને મોદી રેલીની તસવીર ગણાવવામાં આવી રહી છે, તે વર્ષ 2015માં પહેલી વખત ઇન્ટરનેટ પર અપલોડ કરવામાં આવી હતી. અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર ભારતની નહીં, પણ થાઇલૅન્ડના મધ્ય સ્થિત સમુત સાખોન પ્રાંતની છે. આ તસવીરને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા વાળી વેબસાઇટ 'ડીએમસી ડૉટ ટીવી'એ 26 ઓક્ટોબર 2015ના રોજ પોસ્ટ કરી હતી. ડીએમસી એ ધમ્મ મેડિટેશન બૌદ્ધિઝમ એક મીડિયા નેટવર્ક છે. આ વેબસાઇટના આધારે તેઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોને કવર કરે છે
 
આશરે 20 લાખ બૌદ્ધ લોકોનો સમારોહ
 
ડીએમસીના આધારે થાઇલૅન્ડમાં બૌદ્ધ ધર્મને માનવાવાળા 'ભિક્ષા અર્પણ કરવાની એક મોટી પ્રથા'નું આયોજન કરે છે. વર્ષ 2015માં આ જ પ્રકારનું આયોજન થયું હતું કે જેમાં આશરે દસ હજાર બૌદ્ધ ભિક્ષુક સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોની સંખ્યા આશરે 20 લાખ ગણાવવામાં આવી હતી.
 
વેબસાઇટના આધારે થાઇલૅન્ડના 9 કરતાં વધારે પ્રાંતના બૌદ્ધ ભિક્ષુકો, સરકારી કર્મચારીઓ અને સૈનિકો આ કાર્યક્રમમાં પહોંચ્યાં હતાં. 26 ઓક્ટોબર 2015ના રોજ ડીએમસી ડૉટ ટીવીએ આ વિશાળ આયોજનની આશરે 70 અન્ય તસવીરો પણ પોસ્ટ કરી હતી. વેબસાઇટના આધારે આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સમુત સાખોન સેન્ટ્રલ સ્ટેડિયમની સામે એકાચાઈ રોડ પર થયું હતું.
 
ગૂગલ અર્થ વેબસાઇટની મદદથી અમે 'ડીએમસી ડૉટ ટીવી' વેબસાઇટના આ સમારોહના લોકેશન સાથે જોડાયેલા દાવાની પુષ્ટિ કરી. અમે સ્ટ્રીટ વ્યૂના માધ્યમથી એ બિલ્ડિંગની શોધ કરી જે વાઇરલ તસવીરમાં દેખાઈ રહી છે.
 
આ પહેલી વખત નથી જ્યારે સોશિયલ મીડિયા પર આ તસવીરને ખોટા સંદર્ભ સાથે શૅર કરવામાં આવી હોય. વર્ષ 2018માં પણ આ તસવીરને ભારતીય હિંદુઓની તસવીર ગણાવીને શૅર કરવામાં આવી હતી. પરંતુ થાઇલૅન્ડની આ તસવીર સાથે કરવામાં આવેલા બધા દાવાઓ ખોટાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર