મહારાષ્ટ્ર-હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત : કૉંગ્રેસનો માર્ગ મુશ્કેલ કેમ?

Webdunia
શનિવાર, 21 સપ્ટેમ્બર 2019 (17:17 IST)

મહારાષ્ટ્ર અને હરિયાણામાં આગામી 21 ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે, જ્યારે 24 ઑક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પત્રકારપરિષદમાં આ અંગેની જાહેરાત કરી.

ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ બન્ને રાજ્યોમાં આચારસંહિતા લાગુ કરી દેવાઈ છે.
 

ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આસામ, હિમચાલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશા, પુડ્ડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કીમ, તામિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં પણ 21 ઑક્ટોબરે પેટાચૂંટણી યોજાશે અને 24 ઑક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

ગુજરાતમાં પેટાચૂંટણી

કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેર કરેલી ચૂંટણીમાં ગુજરાતની ચાર સીટનો સમાવેશ થાય છે.

અમદાવાદની અમરાઈવાડી સહિત ખેરાલુ, થરાદ અને લુણાવાડાની વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખ જાહેર થઈ છે.

આ ચારેય બેઠકો પર 21 ઑક્ટોબરે ચૂંટણી યોજાશે, જ્યારે 24મી ઑક્ટોબરે પરિણામ જાહેર કરાશે.

બેઠકો પર ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર છે, જ્યારે ફોર્મ પાછું ખેંચવાની તારીખ 3 ઑક્ટોબર છે.

2019ની લોકસભામાં આ ચારેય બેઠકોના ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આથી અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા 2014ની જેમ જ લોકસભા 2019માં પણ ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતી હતી.

મહારાષ્ટ્ર-હરિયાણામાં જંગ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ સત્તા પર છે અને ફરીથી સત્તા પર આવવા પ્રયાસ કરશે તો કૉંગ્રેસ બન્ને રાજ્યોમાં ઘટી રહેલી શાખને બચાવવા મેદાને પડશે.

મહારાષ્ટ્રમાં ભાજપ અને સહયોગી પક્ષ શિવસેના પહેલાંથી જ 'ઇલેક્શન મૉડ'માં જોવા મળી રહ્યા છે.

મતદારો સુધી પહોંચવા માટે બન્ને પક્ષો પદયાત્રાથી માંડીને પ્રચારસભાઓ યોજી રહ્યા છે. ગત મહિને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મતદારોને આકર્ષવા માટે 'મહા-જનઆદેશ યાત્રા' કાઢી હતી.

તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુક્રવારે એક રોડ-શો યોજી અને રેલીને સંબોધીને રાજ્યમાં ભાજપને ફરીથી સત્તા પર લાવવાની માગ કરી હતી.

બન્ને રાજ્યોમાં ઈવીએમ દ્વારા જ મતદાન કરાવાશે. મહારાષ્ટ્રમાં 1.8 લાખ ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે હરિયાણામાં એક લાખ ત્રીસ હજાર ઈવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 બેઠકો છે, જેમાંથી 234 બેઠકો સામાન્ય વર્ગ માટે છે, જ્યારે 29 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રખાઈ છે. મહારાષ્ટ્રમાં કુલ 8.94 કરોડ મતદારો છે.

હરિયાણામાં વિધાનસભાની કુલ 90 બેઠકો છે અને રાજ્યમાં કુલ 1.82 કરોડ મતદારો છે. વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને 47 બેઠકો મળી હતી, જ્યારે કૉંગ્રેસને 15 બેઠકો મળી હતી.

હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે, જ્યારે મહારાષ્ટ્રનો 9 નવેમ્બરે.

ઉમેદવારો માટે ચૂંટણીખર્ચની મર્યાદા 28 લાખ નક્કી કરાઈ છે. એનો અર્થ એવો થાય કે કોઈ ઉમેદવાર 28 લાખથી વધુ પૈસા ખર્ચી નહીં શકે.

મહારાષ્ટ્રમાં કોની વચ્ચે ચૂંટણીજંગ?
 

ગત વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી ભાજપે 122 બેઠકો મેળવી હતી, જ્યારે શિવસેનાને 63 બેઠકો મળી હતી. કૉંગ્રેસ 42 બેઠકો જ્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ(એનસીપી) 41 બેઠકો મેળવવામાં સફળ રહ્યાં હતાં.

મહારાષ્ટ્રમાં વર્ષ 2014 દરમિયાન 8 કરોડ 25 લાખ મતદારોની નોંધણી કરવામાં આવી હતી અને 15 ઑક્ટોબર 2014ના રોજ રાજ્યમાં વિધાનસભાની 288 બેઠકો પર મતદાન યોજાયું હતું.

હાલનાં સમીકરણો જોતાં એવું લાગે છે કે રાજ્યમાં ભાજપ-શિવસેના ગંઠબંધન અને કૉંગ્રેસ-એનસીપીના ગઠબંધન વચ્ચે જંગ જામશે. મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમિન(એમઆઈએમ) દ્વારા પણ ચૂંટણી લડવાની જાહેરાત કરાઈ છે, જેને પગલે બહુજન ફ્રન્ટને નુકસાન થઈ શકે છે.

આ ઉપરાંત રાજ્યમાં બહુજન ડેવલપમૅન્ટ અલાયન્સ, કિસાન-કામદાર પક્ષ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

 

મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો ભાજપ અને શિવસેના વચ્ચેના વિવાદનો નિવેડો લાવવા બન્ને પક્ષ તૈયાર છે. બીજી બાજું કૉંગ્રેસ અને એનસીપી માટે સૌથી મોટો પડકાર પક્ષ છોડીને ભાજપ અને શિવસેનામાં જોડાઈ રહેલા નેતાઓ અટકાવવાનો રહેશે.
 

મહારાષ્ટ્રમાં કોણે-કોણે આપ્યાં રાજીનામાં?


મહારાષ્ટ્રમાં તાજેતરમાં કૉંગ્રેસ-એનસીપીના 20થી વધારે નેતાઓ ભાજપ કે શિવસેનામાં જોડાઈ ગયા છે.

આ યાદીમાં હર્ષવર્ધન પાટીલ, ઉદયનરાજે ભોંસલે, રણજીત સિંહ મોહિતે પાટીલ, શિવેન્દ્રરાજે ભોંસલે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, વૈભવ પિચડ, મધુકર પિચડ, રાણા જગજિત સિંહ પાટીલ, સુજય વિખે પાટીલ, કાલિદાસ કોળંબકર, જયકુમાર ગોરે, ધનંજય મહાડીક, ચિત્રા વાઘ, સાગર નાઇક સહિતનાં નેતાઓનાં નામ છે.

બીબીસી મરાઠી સેવાના એડિટર આશિષ દીક્ષિત કહે છે, "મહારાષ્ટ્ર માટે પક્ષપલટાનું રાજકારણ નવું નથી પણ વખતે જે પ્રમાણમાં કૉંગ્રેસ અને એનસીપી છોડીને નેતાઓ ભાજપ અને શિવસેનામાં જોડાઈ રહ્યા છે, તે નવું છે."


વિપક્ષ માટે મુશ્કેલી


"1999માં શરદ પવારે એનસીપીની રચના કરી, એ વખતે તેઓ કૉંગ્રેસમાંથી ઘણા બધા નેતાઓને પોતાની સાથે લઈ આવ્યા હતા."

નિષ્ણાતો માને છે કે જે રણનીતિ સાથે ભાજપ ચૂંટણીમાં ઊતરે છે એ જોતાં લાગે છે કે આ જીત માટે નહીં પણ વિપક્ષને ખતમ કરી નાખવા માટેની યોજના છે.

વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી કહે છે, "ગુજરાતના રાજકારણમાં છેલ્લાં દસ વર્ષથી પક્ષપલટાની પ્રોસેસ ચાલે છે. ભાજપનું ઘોષિત સૂત્ર જ છે કે કૉંગ્રેસ મુક્ત ભારત."

અત્રે ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ મુક્ત ભારતનું સૂત્ર નરેન્દ્ર મોદીએ 2014માં લોકસભાની ચૂંટણી પૂર્વે આપ્યું હતું. કૉંગ્રેસ મુક્ત ભારતના આ આહ્વાન પછી 2014 અને 2019 એમ બન્ને લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમત હાંસલ થયો.

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકીયા કહે છે, "મહારાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ સારી છે અને તેમને આ રીતે વિપક્ષના નેતાઓને જીત માટે ખેંચી લાવવા પડે એવી સ્થિતિ નથી."

"વિરોધ પક્ષને ખતમ કરવાનું આ એક મૉડલ છે, જેથી વિરોધ પક્ષો એટલા નબળા થઈ જાય કે આવનારાં 15-20 વર્ષો સુધી ફરીથી ભાજપ સામે ઊભા ન થઈ શકે."

લોકસભાની ચૂંટણી બાદ આ જ યોજના ભાજપે વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ અપાનીવી હતી.

સંબંધિત સમાચાર

Next Article