કૉર્પોરેટ ટૅક્સ : શું છે આ ટૅક્સ જે કંપનીઓ પાસેથી લેવાય છે અને તેમાં સરકારે ઘટાડો કર્યો છે

શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (17:17 IST)
અર્થતંત્રને ગતિ આપવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે.
આ જાહેરાતમાં નિર્મલા સીતારમણે ઘરેલુ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ટૅક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે.
જીએસટી કાઉન્સિલની બેઠક પહેલાં નિર્મલા સીતારમણે કંપનીઓને સરપ્રાઇઝ આપતાં કૉર્પોરેટ ટૅક્સ ઘટાડીને 22 ટકા કરી દીધો છે.
આ 22 ટકામાં સરચાર્જ અને સેસ જોડવામાં આવતા તે 25.17 ટકા થશે. પહેલાં આ દર 30 ટકા હતો.
ગ્રોથ અને રોકાણમાં વધારો કરવા માટે આવકવેરામાં આપવામાં આવેલી આ છુટ વર્તમાન વર્ષ 2019-20થી જ લાગુ થશે.
આવકવેરામાં એક વધુ કલમ જોડીને એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે ઘરેલુ કંપની ચાલુ નાણાકીય વર્ષની 1 ઑક્ટોબર બાદ ઉત્પાદનના સૅક્ટરમાં રોકાણ કરશે તો તેના પર માત્ર 15 ટકા જ ટૅક્સ લાગશે.
નિર્મલા સીતારમણે કરેલી આ જાહેરાત બાદ સેન્સેક્સમાં 1600 પૉઇન્ટ જેટલો ઉછાળો આવ્યો હતો. એક સમયે સેન્સેક્સ 38 હજારની સપાટી પાર કરી ગયો હતો.
ચારે તરફ હાલ કૉર્પોરેટ ટૅક્સની ચર્ચા છે, પરંતુ શું તમે જાણો છો કે આ કૉર્પોરેટ ટૅક્સ શું છે.
 
કૉર્પોરેટ ટૅક્સ શું છે?
ભારતમાં બે પ્રકારના ટૅક્સ છે, એક ડાયરેક્ટ ટૅક્સ અને બીજા ઇનડાયરેક્ટ ટૅક્સ.
જેમાં ડાયરૅક્ટ ટૅક્સમાં બે પ્રકારના કરવેરા આવે છે, જેની અંતર્ગત કૉર્પોરેટ ટૅક્સ આવે છે. જે કંપનીઓ પાસેથી લેવામાં આવે છે.
ઇન્કમ ટૅક્સ સામાન્ય રીતે વ્યક્તિની આવક પર લેવામાં આવે છે, જેમાં જુદા જુદા સ્લેબ હોય છે.
જ્યારે કૉર્પોરેટ ટૅક્સ કંપનીઓ પાસેથી લેવામાં આવે છે જેમાં ટૅક્સનો એક દર ફિક્સ હોય છે.
ઘરેલુ કંપની હોય કે વિદેશી કંપની હોય બંનેએ કૉર્પોરેટ ટૅક્સ ભરવો ફરજિયાત છે.
ઇન્કમ ટૅક્સ ઍક્ટ 1961 અંતર્ગત દેશમાં કૉર્પોરેટ ટૅક્સની જોગવાઈ કરવામાં આવી છે.
જોકે, ઘરેલું કંપની અને વિદેશી કંપની પાસેથી આ ટૅક્સ લેવાની જોગવાઈઓ જરા અલગ છે.
 
વિવિધ કંપનીઓ પર કૉર્પોરેટ ટૅક્સ કેવી રીતે લેવાય?
જે બિઝનેસ ભારતમાં શરૂ થયો હોય અથવા જે વિદેશી કંપનીનું મુખ્યમથક ભારતમાં હોય એટલે કે તેનું નિયંત્રણ અને સંચાલન ભારતમાં થતું હોય તેને ઘરેલુ કંપની કહેવાય છે.
ભારતમાં શરૂ થઈ હોય તેનો મતલબ એ થયો કે તે ભારતના કંપની ઍક્ટ 1956 અંતર્ગત રજીસ્ટર થયેલી હોય.
વિદેશી કંપની એટલે એવી કંપની જેની શરૂઆત ભારતમાં ના થઈ હોય અને તેનું સંચાલન વિદેશમાંથી થતું હોય.
જે ઘરેલુ કંપનીની વ્યાખ્યામાં આવે છે તેની તમામ આવક પર કૉર્પોરેટ ટૅક્સ લેવામાં આવે છે. એટલે કે ભારત કે વિદેશમાં જ્યાંથી પણ આવક કરી હોય તેના પર આ ટૅક્સ લાગે છે.
વિદેશી કંપની પાસેથી ભારતમાં કરેલી આવક પર જ ટૅક્સ લેવામાં આવે છે.
જોકે, વિવિધ દેશમાં ટૅક્સના જુદાજુદા કાયદા હોવાથી એક જ આવક પર ડબલ ટૅક્સ ના વસૂલાય તે માટે આઈટી ઍક્ટની કલમ 90 અને 91માં ડબલ ટૅક્સથી રાહતની જોગવાઈ કરવામાં આવી છે.
આ જોગવાઈ અંતર્ગત કંપનીઓ ડબલ ટૅક્સથી રાહત મેળવી શકે છે.
કંપનીની આવકની ગણતરી માટે પણ નક્કી કરેલાં ધોરણ છે. જેના અંતર્ગત કંપનીની આવકની વ્યાખ્યા કરવામાં આવે છે.
કંપનીની આવકમાં બિઝનેસમાંથી કરેલો નફો, કૅપિટલ ગૅઇન, મિલકતમાંથી કરેલી આવક અને બીજા સ્રોત જેવા કે ડિવિડન્ડ, વ્યાજ, લૉટરી વગેરે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર