વર્લ્ડ કપ 2019 : ભારતની બેટિંગ અને કિવિ બૉલિંગ વચ્ચે આજે 'કરો યા મરો'નો જંગ

Webdunia
મંગળવાર, 9 જુલાઈ 2019 (12:17 IST)
વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં રમવા માટે રવાના થઈ, ત્યારથી તેને ટાઇટલ માટે ફેવરિટ માનવામાં આવે છે. હવે ચૅમ્પિયન બનવા માટે ભારતે બે મૅચ જીતવી જરૂરી છે.
આ ટુર્નામેન્ટમાં ઇંગ્લૅન્ડ સામેની એક મૅચને બાદ કરતાં બાકીની તમામ મેચમાં ભારતે પ્રભાવક પ્રદર્શન કર્યું છે અને દરેક મૅચમાં તેણે હરીફને જરાય તક આપી નથી. હવે બાકી રહેલી બે મૅચ જીતીને ભારત ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી શકે છે, પરંતુ આ કાર્ય અપેક્ષા રખાય તેટલું સરળ નથી.
 
ભારતે આ માટે મંગળવારે ન્યૂઝીલૅન્ડના અવરોધને દૂર કરવો પડશે અને ત્યારબાદ ફાઇનલનું અંતિમ લક્ષ્ય પાર કરવું પડશે. ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મંગળવારે અહીંના ઑલ્ડ ટ્રેફૉર્ડ ખાતે પ્રથમ સેમિફાઇનલ રમાશે. બપોરે 3.00 કલાકે મૅચનો પ્રારંભ થશે. ભારતનો આધાર તેની બેટિંગ રહેશે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન નોંધાવનારા રોહિત શર્મા અત્યારે ગજબના ફોર્મમાં છે. હાલના તબક્કે તો તેમણે વિરાટ કોહલીને પણ પાછળ રાખી દીધા છે. આ વખતે પણ તેમની પાસેથી જ અપેક્ષા રખાય છે. 
 
ન્યૂઝીલૅન્ડની ઝડપી બૉલિંગ
 
બીજી તરફ ન્યૂઝીલૅન્ડની ઝડપી બૉલિંગ ભારત માટે પડકારજનક છે. ટ્રેન્ટ બોલ્ટ સૌથી ખતરનાક બૉલર છે અને તે પ્રારંભમાં જ ભારતની કેટલીક વિકેટ ખેરવીને કપરી પરિસ્થિતિ પેદા કરી શકે તેમ છે.
વિરાટ કોહલી અત્યારે ક્રિકેટ જગતના મોખરાના બૅટ્સમૅન છે, પરંતુ આ ટુર્નામેન્ટમાં તેના તરફથી મોટી ઇનિંગ જોવા મળી નથી. તેમણે પાંચ અડધી સદી ફટકારી છે, પરંતુ એકેય સદી નોંધાવી નથી.
વર્લ્ડ કપમાં રહેલી તમામ ટીમના બૅટ્સમૅન હોય તેવા કૅપ્ટને સદી કરી છે, પરંતુ વિરાટ તેમાંથી બાકાત છે. હવે મોટી મૅચો આવી છે, ત્યારે કોહલી પાસેથી પણ વિરાટ ઇનિંગ્ઝની અપેક્ષા રખાય છે.
 
રોહિત અને વિરાટ કોહલી પાસેથી મોટી અપેક્ષા રખાય છે, પરંતુ તેઓ આ મહત્ત્વની મૅચમાં જ નિષ્ફળ રહે તો લોકેશ રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોનીની જવાબદારી વધી જશે.
બોલ્ટ, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન બાકીના બૅટ્સમૅનને અંકુશમાં રાખી શકે છે.
ન્યૂઝીલૅન્ડની બેટિંગ
 
ન્યૂઝીલેન્ડની બેટિંગ પણ મજબૂત છે. કેન વિલિયમસન બે સદી ફટકારી ચૂક્યા છે. માર્ટિન ગુપટિલ પાસેથી પણ કોહલીની માફક મોટી ઇનિંગ્સની અપેક્ષા રખાય છે અને રોઝ ટેલર અગાઉ પણ ભારતને ભારે પડી ચૂક્યા છે. ભારતીય સ્પિનર આ મૅચમાં વિલિયમ્સનને કેવી રીતે બાંધી શકે છે કે જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર મળીને ટેલરને કેવી રીતે અંકુશમાં રાખશે તે જોવાનું રહેશે.
આ ઉપરાંત એક મુકાબલો રસપ્રદ બની રહેશે. ધોની અને મિચેલ સેન્ટનર વચ્ચેનો મુકાબલો. ધોની અને સેન્ટનર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે, જ્યાં ધોની કૅપ્ટન છે. તેમણે સેન્ટનરને નેટ્સમાં અને મેદાન પર બૉલિંગ કરતા અત્યંત નજીકથી નિહાળ્યા છે.
 
ધોની રમવા આવશે તે સમયે એટલે કે ઇનિંગ્સની મધ્ય ઓવર્સમાં સેન્ટનર બૉલિંગ કરતા હશે. વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મૅચોમાં ન્યૂઝીલૅન્ડે આઠમાંથી સાત મૅચ જીતેલી છે.
ટુર્નામેન્ટના પ્રારંભિક કાળમાં ન્યૂઝીલૅન્ડનો હાથ ઉપર હતો, પરંતુ 1992ના વિજય બાદ ન્યૂઝીલૅન્ડની ટીમે ભારત સામે મૅચ જીતી નથી. 2003માં ભારતનો વિજય થયો હતો. ભારત સુપરપાવર બન્યું ત્યારબાદ બંને ટીમ વર્લ્ડ કપમાં સામસામે આવી નથી.
 
ભારતની સાતમી સેમિફાઇનલ, ત્રણ જીત્યું છે
 
1983ના વર્લ્ડ કપમાં ભારત પહેલી વાર સેમિફાઇનલમાં પહોંચ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં તે છ સેમિફાઇનલ રમ્યું છે. યોગાનુયોગે ભારત તેની પ્રથમ સેમિફાઇનલ માન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ ખાતે રમ્યું હતું જ્યાં મંગળવારે તે ન્યૂઝીલૅન્ડ સામે રમવાનું છે. ભારત અત્યાર સુધીની છ પૈકીની ત્રણ સેમિફાઇનલ જીત્યું છે, જેમાંથી 2003માં તે ફાઇનલમાં હારી ગયું હતું અને બાકીની બે સેમિફાઇનલ (1983 અને 2011) જીતીને તે ફાઇનલમાં પણ જીત્યું હતું.
 
મૅચ ધોવાઈ જાય તો ભારત ફાઇનલમાં
 
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મંગળવારે રમાનારી વર્લ્ડ કપની સેમિફાઇનલ ક્રિકેટ મૅચ દરમિયાન છુટાછવાયા વરસાદની આગાહી છે, પરંતુ મૅચ ધોવાઈ જવાની શક્યતા ઓછી છે. આમ છતાં મંગળવારે વરસાદ પડે તેવા સંજોગોમાં રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો હોવાને કારણે મૅચ બુધવારે રમાશે. બંને વચ્ચેની મૅચમાં બુધવારે પણ વરસાદ પડે તેવા સંજોગોમાં ભારતીય ટીમ ફાઇનલમાં રમશે. ટુર્નામેન્ટના નિયમ મુજબ મૅચમાં ટાઈ પડે તો સુપર ઓવરની મદદથી પરિણામ લાવવામાં આવશે. આ ઉપરાંત જો મૅચ વરસાદને કારણે સદંતર ધોવાઈ જાય તો લીગ સ્ટેજમાં જે ટીમ મોખરે હોય તે આગેકૂચ કરશે. પૉઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ મોખરે હોવાથી તે સીધી ફાઇનલમાં પહોંચી જશે.
 
ભારત રોડ ટુ સેમિફાઇનલ
 
તારીખ વિરુદ્ધ સ્થળ પરિણામ
5 જૂન    દ. આફ્રિકા રોઝ બાઉલ 6 વિકેટે વિજય
9 જૂન ઑસ્ટ્રેલિયા ઓવલ 36 રનથી વિજય
13 જૂન ન્યૂઝીલૅન્ડ નોટ્ટિંગહામ અનિર્ણીત
16 જૂન પાકિસ્તાન માન્ચેસ્ટર 89 રનથી વિજય
22 જૂન અફઘાનિસ્તાન રોઝ બાઉલ 11 રનથી વિજય
27 જૂન વેસ્ટ ઇન્ડિઝ માન્ચેસ્ટર 125 રનથી વિજય
30 જૂન ઇંગ્લૅન્ડ એજબેસ્ટન 31 રનથી પરાજય
2 જુલાઈ બાંગ્લાદેશ એજબેસ્ટન 28 રનથી વિજય
6 જુલાઈ શ્રીલંકા          લીડ્ઝ 7 વિકેટે વિજય
 
 
ન્યૂઝીલેન્ડ રોડ ટુ સેમિફાઇનલ
 
તારીખ વિરુદ્ધ સ્થળ પરિણામ
 
1 જૂન              શ્રીલંકા કાર્ડિફ 10 વિકેટે વિજય
5 જૂન બાંગ્લાદેશ ઓવલ 2 વિકેટે વિજય
8 જૂન અફઘાનિસ્તાન ટોન્ટન 7 વિકેટે વિજય
13 જૂન ભારત નોટ્ટિંગહામ અનિર્ણીત
19 જૂન           દ. આફ્રિકા એજબસ્ટન 4 વિકેટે વિજય
22 જૂન વેસ્ટ ઇન્ડિઝ માન્ચેસ્ટર 5 રનથી વિજય
26 જૂન પાકિસ્તાન એજબેસ્ટન       છ વિકેટે પરાજય
29 જૂન ઑસ્ટ્રેલિયા લોર્ડ્ઝ 86 રનથી પરાજય
3 જુલાઈ ઇંગ્લૅન્ડ ચેસ્ટર-લી-સ્ટ્રીટ 119 રનથી પરાજય
 
ન્યૂઝીલૅન્ડની ટીમ વર્લ્ડ કપમાં સૌથી વધુ આઠ વખત સેમિફાઇનલ રમવાનો સંયુક્ત રેકર્ડ ધરાવે છે અને એક વખત જીત્યું છે.
 
ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ અત્યાર સુધીમાં સાત-સાત સેમિફાઇનલ રમી ચૂક્યા છે પરંતુ ન્યૂઝીલૅન્ડ માત્ર એક જ વાર સેમિફાઇનલ જીતી શક્યું છે.
 
2015ના વર્લ્ડ કપમાં કિવિ ટીમે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં ઑસ્ટ્રેલિયા સામે તેનો પરાજય થયો હતો.
 
આમ ન્યૂઝીલૅન્ડનો સેમિફાઇનલનો રેકર્ડ કંગાળ છે અને આ વખતે કૅન વિલિયમ્સનની ટીમ તે સુધારવાનો પ્રયાસ કરશે.

સંબંધિત સમાચાર

Next Article