ડમ્પરે બાઈકને અડફેટે લેતા ત્રણનાં ઘટના સ્થળે જ મોત,શોર્ટ સર્કિટથી આખે આખી ટ્રક જ સળગી ગઈ

Webdunia
શુક્રવાર, 23 જૂન 2023 (17:35 IST)
સુરત શહેર તેમજ જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરત જિલ્લાના વિહાનથી ટીંબા ગામ તરફ જતા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. અકસ્માતની આ ઘટનામાં ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ થઇ હતી અને ઘટનાસ્થળે જ ત્રણેય યુવકોનાં મોત થયાં હતાં.સુરતના કામરેજ તાલુકાના વિહાનથી ટિંબા ગામ તરફ જતા રસ્તા પર આજરોજ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ભરૂચના પાનોલીના વતની વિજય વસાવા, અનિલ વસાવા અને વિપુલ વસાવા ત્રણેય બાઈક પર સવાર થઈને વિહાનથી ટિંબા ગામ તરફ જતા હતા. જ્યાં બાઈક પર સવાર ત્રણેય લોકો ડમ્પરની અડફેટે આવી ગયા અને કચડાઈ ગયા હતા. બનેલી આ ઘટનામાં બાઈક સવાર ત્રણેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. અકસ્માત બાદ શોર્ટ સર્કિટના કારણે ડમ્પરમાં આગ લાગતા આખેઆખી ટ્રક સળગી ઊઠી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસ અને ફાયર વિભાગને થતાં બંને ટીમો હાલ સ્થળ પર પહોંચી ગઈ છે અને કામગીરી હાથ ધરી છે.અકસ્માતની ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. બનાવની જાણ ફાયર અને પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને ફાયર વિભાગની ટીમે ડમ્પરમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

બીજી તરફ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.કામરેજ પોલીસે જણાવ્યું હતું કે, 11 વાગ્યાની આસપાસ ટીંબા રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ત્રણેય બાઈક સવારો ભરૂચના પાનોલીના રહેવાસી છે. જેમાંથી એકની ઓળખ વસાવા વિજય દિનેશ કુમાર તરીકે થઇ છે. તેઓ બારડોલી તરફથી આવતા હતા અને ડમ્પર ગલતેશ્વર તરફથી બારડોલી તરફ જતું હતું. તે દરમિયાન ટીંબા ગામની સીમમાં અકસ્માત થયો છે. ત્રણેય બાઈક સવારો ડમ્પરની નીચે આવી જતા તેઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આ ઉપરાંત ડમ્પરમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઉપરાંત ત્રણેય મૃતકોની લાશને કામરેજ સીએસસી સેન્ટર ખાતે ખસેડી તેઓના પરિવારને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article