ભારતીય કબડ્ડી ખેલાડીઓએ શાનદાર દેખાવ કરતાં આખરી લીગ મેચમાં ઈંગ્લેન્ડને ૬૯-૧૮થી હરાવીને અમદાવાદમાં ચાલી રહેલા કબડ્ડી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ભારતે તેની પાંચમાંથી ચાર મેચ જીતી લીધી હતી અને ૨૧ પોઈન્ટ સાથે ગુ્રપમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે પાંચેય મેચ જીતનારા સાઉથ કોરિયાએ ૨૫ પોઈન્ટ સાથે ટોચનો ક્રમ મેળવ્યો હતો. અમદાવાદમાં કાંકરિયા પાસે આવેલા ટ્રાન્સસ્ટેડિયા એરિનામાં હવે તા.૨૧મી ઓક્ટોબરને શુક્રવારના રોજ બંને સેમિ ફાઈનલ મુકાબલા ખેલાશે.જેમાં જીતનારી ટીમોને તા.૨૨મી ઓક્ટોબરે રમાનારી ફાઈનલમાં રમવાની તક મળશે. ભારતનો સેમિ ફાઇનલ મુકાબલો હાઈપ્રોફાઈલ ઈરાનની ટીમની સામે આવી શકે છે. જેઓ બી ગુ્રપમાં જબરજસ્ત દેખાવ સાથે ટોચનો ક્રમ જાળવી રાખશે તેમ મનાય છે. આજે રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ સાવ એક તરફી રહી હતી. ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતે ટોસ ગુમાવ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડે સૌપ્રથમ રેડ કરવા માટે ભારતને જણાવ્યું હતુ. અનુપે ભારતને શાનદાર શરૃઆત અપાવી હતી, જે પછી પ્રદિપ નરવાલ અને સંદિપ નરવાલે શાનદાર દેખાવ કર્યો હતો.