આજે સવારથી જ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળતાં વાદળો છવાયા હતા. સવારે વાતાવરણમાં ઠંડક જોવા મળે છે જ્યારે બપોર બાદ આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ પાકિસ્તાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં આજે પલટો આવશે. આ વાતાવરણને લઈ ગત રાતથી જ ઠંડક ફેલાઈ છે. અમદાવાદ અને ડીસામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે શહેરમાં વહેલી સવારે ધુમ્મસ વાળુ વાતાવરણ જોવા મળ્યું હતું, આ ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહનચાલકોને મુશ્કેલી મુકાયા છે. આ સિવાય કમોસમી વરસાદની ભીતિએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
આજે હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. દ્વારકાના આસપાસના વિસ્તારોમાં પણ એની અસર થઈ છે. આ વરસાદથી રસ્તાઓ ભીના થયા છે અને લોકજીવન પ્રભાવિત થયું છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દ્વારકા સિવાય લખપત તાલુકાના દયાપર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દિવસભર મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે દ્વારકા,કચ્છ,બનાસકાંઠા, પોરબંદર, સામાન્ય વરસાદી છાટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં વાતાવરણની વિષમતાઓ વચ્ચે લખપત તાલુકાના દયાપર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આગામી બે કે ત્રણ દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા છે.
બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ રવી પાકની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. તેના ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને દીવેલા, ઘઉં, ચણા, રાયડો, જીરૃ, વરિયાળી, અને બટાકાના પાકને માવઠાને લઈ વ્યાપક નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ બટાકા કાઢવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યાં ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે અને માવઠું થશે તો હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉત્તર ગુજરાત સહીત અનેક વિસ્તારોમાં ચાલુ વર્ષે ઘઉંનું પણ વિપુલ વાવેતર કરવામાં આવ્યું છે ત્યાં પણ માવઠું થાય તો વ્યાપક નુકસાન પહોંચશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો ખેડૂતો માવઠાની સ્થિતિને લઈ ચિંતિત જોવા મળી રહ્યા છે અને આકાશ સ્વચ્છ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.