આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખરીફ-૨૦૧૬ ઋતુથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ભારત સરકારની ગાઇડલાઇન મુજબ અમલી છે. યોજનાની માર્ગદર્શિકા મુજબ યોજના હેઠળ જુદા જુદા જોખમો જેવા કે, વાવણી ન થવી, ઉભા પાકમાં નુકશાની, સ્થાનિક આપત્તિ, પાક કાપણી પછીના નુકશાન અને ઉત્પાદનમાં થયેલ ઘટ આધારીત દાવાનો સમાવેશ કરવામાં આવેલ છે. યોજનાની જોગવાઇ મુજબ જે તે વર્ષમાં કુદરતી આફતોને કારણે થયેલ નુકશાન અને ઉત્પાદનમાં થયેલ ઘટ ના આધારે ચુકવવાપાત્ર દાવા સંબંધિત વીમા કંપનીઓ દ્વારા ચુકવવામાં આવે છે.
જે સીઝનમાં જુદા જુદા જોખમો તથા પાક કાપણી અખતરા બાબતે વીમા કંપની દ્વારા વાંધાઓ લીધેલ હોય તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીઓ તથા કેન્દ્ર સરકાર કક્ષાએ પરામર્શ કર્યા બાદ દાવા ચુકવવામાં આવે છે. જે મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૧ર૬૭.૧૯ કરોડ વર્ષ ર૦૧૭-૧૮માં રૂ. ૧૦૭૫.૪૪ કરોડ પાકવીમાના દાવાઓ ચુકવવામાં આવેલ છે તથા વર્ષ ૨૦૧૮-૧૯માં ઐતિહાસીક રૂ. ૨૭૭૭.૪૬ કરોડના દાવાઓ ચુકવવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, ખરીફ-૨૦૧૯માં આજની સ્થિતીએ જુદા જુદા જોખમો હેઠળ રૂ. ૧૦૦.૯૧ કરોડના દાવાઓ ચુકવવામાં આવેલ છે તેમજ પાક કાપણી અખતરા આધારીત દાવાઓની ગણતરીની કાર્યવાહી પ્રગતિમાં છે. આથી ખેડૂતોને પાક વીમાના દાવા સમયસર મળતા નથી એવું વિપક્ષ દ્વારા વારંવાર કહેવામાં આવે છે તે વ્યાજબી નથી. તેમણે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.