ઊંઝા તાલુકાના કહોડા ગામના પ્રેમી પંખીડાએ ઘરેથી ભાગ્યા બાદ કામલી ગામની સીમમાં GEBની ઇલેક્ટ્રિક લાઈન બ્રહ્માણી એજી ફીડર નંબર 170/10ના થાંભલા ઉપર ચડીને વીજ વાયર પકડી લેતા બન્ને યુવક યુવતીનું મોત નીપજ્યું હતું.
ઊંઝા તાલુકાના કહોડા ગામના રહેવાસી ઠાકોર પુષ્પાબેન અને ઠાકોર કિરણજીને એકબીજા સાથે આંખો મળી ગઈ હતી અને બન્ને જણા ઘર છોડી જતા રહ્યા હતા. ગત તારીખ 02/06/2023ના રોજ સાંજના સમયે ઠાકોર પુષ્પાબેને પરિવારને કહ્યું કે, હું ગામમાં દળણું લેવા જાઉં છું. એવું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. વધુ સમય વિતતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને શોધખોળ કરી હતી, પરંતુ ઠાકોર પુષ્પાબેન ગામમાં કે કોઈ સગા સંબંધીને ત્યાં મળી આવ્યા નહીં.ત્યારબાદ જાણવા મળ્યું હતું કે, કહોડા ગામનો ભાણો ઠાકોર કિરણજી પણ ઘરે નથી અને બન્ને જણા ઘર છોડીને જતા રહ્યા છે. જે બાબતે પરિવારજનોએ તપાસ કરતા ક્યાંય પણ મળી આવ્યા નહીં. ત્યારે ગતરોજ બપોરના સમયે પરિવાર ઉપર સિદ્ધપુર GEBમાંથી ફોન આવ્યો અને જાણવા મળ્યું હતું કે, 'કામલી અને મક્તુપુર ગામની સીમમાં ઇલેવન કેવી વીજ લાઈન ઉપર ચડીને કોઈ બે અજાણ્યા વ્યક્તિઓ વીજ લાઈન પકડી પાડતા કરન્ટ લાગેલો છે અને મૃત્યુ પામ્યા છે. તો આપ આવીને તપાસ કરી લો'.
ત્યારબાદ પરિવારજનો જઈને જોતા ઠાકોર પુષ્પા અને ઠાકોર કિરણની લાશ હોવાનું જાણવા મળતા પરિવારજનો ઉપર દુઃખનું આભ ફાટ્યું હતું.આજુબાજુ લોકોને ખબર પડતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જે ઘટનાની જગ્યાએ સિદ્ધપુર GEBની ટીમ આવી પહોંચી હતી તથા ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીઆઈ ઘેટીયા, પીએસઆઈ આર.એન. પ્રશાદ, પીએસઆઈ દેસાઈ, ચાર્જમાં રહેલા જમાદાર મહેન્દ્ર દેસાઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત દોડી આવ્યા હતા. જેમાં પોલીસે પંચનામું કરી બન્ને લાશને પોસ્ટમોર્ટમ માટે ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.