૩.૫ ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી માટે મોખરે: વિજય રૂપાણી

Webdunia
બુધવાર, 3 માર્ચ 2021 (17:30 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ઉદ્યોગોના નિર્માણ થકી જ રોજગારીનો વ્યાપ વધુને વધુ વધે છે. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે સાધેલો વિકાસ અને માળખાકીય સવલતોના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. જેના પરિણામે રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે એટલે જ ૩.૫ ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી માટે મોખરે છે.
 
વિધાનસભા ખાતે તાપી અને ડાંગ જિલ્લામાં કાર્યરત GIDCના પ્રશ્નમાં સહભાગી થતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ઉદ્યોગોના નિર્માણ થકી ઘર આંગણે રોજગારી આપવાના નિર્ધાર સાથે અમે કામ કરી રહ્યા છીએ. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૨૩ GIDCનું નિર્માણ કર્યું છે અને આગામી સમયમાં બહુમાળી GIDCનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. 
 
તેમણે કહ્યું કે, દરેક જિલલામાં GIDC સ્થાપવાના પ્રયાસો છે. પરંતુ GIDC સ્થાપવા માટે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરી સર્વે કરવામાં આવે છે. એના આધારે GIDC સ્થપાય છે. દરેક જિલ્લાની વિશેષતા છે જ્યાં ઇન્ફાસ્ટ્રક્ચર અને પોટેન્શીયાલીટી મુજબ કામગીરી કરાય છે અને GIDCનું નિર્માણ કરાય છે. 
 
તેમણે ઉમેર્યું કે, રાજ્યનો જે રીતે સુગ્રથિત વિકાસ થઇ રહ્યો છે તેને ધ્યાને લઇને ધોલેરાને ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટી તરીકે વિકસાવીને સિંગાપોર કરતા પણ મોટું ઇન્ડસ્ટ્રીયલ સીટી તરીકે નિર્માણ કરવાનું આયોજન છે. એ જ રીતે ઇન્ડસ્ટ્રીયલ પોલીસી ૨૦૨૦ અંતર્ગત વિવિધ ઇન્સેન્ટિવ પણ પૂરા પાડીને રોજગારીનો વ્યાપ વધારવામાં આવશે.
 
ઉદ્યોગ વિભાગનો વિધાનસભાનો હવાલો ધરાવતા મંત્રી સૌરભભાઇએ કહ્યું કે, ટ્રાયબલ વિસ્તારમાં પણ GIDCનું  નિર્માણ કરવા અમારી સરકાર કટિબદ્ધ છે અને અનેક વિસ્તારોમાં GIDC ચાલુ પણ છે. તાપી જિલ્લામાં ડોસવાડા ખાતે GIDCના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે માટે વેદાન્ત ગૃપ સાથે MOU પણ સરકારે કર્યો છે. જે કાર્યાન્વિત થતાં રોજગારીનું પ્રમાણ ચોક્કસ વધશે.

સંબંધિત સમાચાર

Next Article