અમદાવાદ સિવિલની GCRમાં દર વર્ષે ૩૦ હજારથી વધુ દર્દીઓ કેન્સરની સારવાર મેળવે છે, તમાકુ અને ધુમ્રપાનની આદતને કારણે મોઢાના કેન્સરનું પ્રમાણ વધ્યું

ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (08:50 IST)
આજે વિશ્વ કેન્સર દિવસ છે. ત્યારે અમદાવાદની ગુજરાત કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 30 હજારથી વધુ દર્દીઓ સારવાર મેળવે છે. ગુજરાતમાં નોંધાતા કેન્સરના પુરૂષ દર્દીઓમાં સૌથી વધુ 21.81 ટકા દર્દીઓ મોઢાના કેન્સરના છે, ત્યારબાદ જીભના કેન્સરના દર્દીઓનું પ્રમાણ 10.89 ટકા છે. જ્યારે સ્ત્રીઓમાં સૌથી વધુ કેસ સ્તનના કેન્સરના નોંધાય છે અને બીજા ક્રમે ગર્ભાશયના કેન્સરના કેસો નોંધાય છે. રાજ્યની ઘણી મહિલાઓમાં ગુટખાના વ્યસનનો વ્યાપ વધુ હોવાથી ગુજરાતમાં સૌથી વધુ મોઢાના કેન્સરના કેસો નોંધાય છે.
 
સમગ્ર ગુજરાતના કેન્સર હોસ્પિટલોના મુખ્ય કેન્દ્ર એવા GCRમાં નોંધાયેલા આંકડા પ્રમાણે વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષ દર્દીઓમાંથી 21.81 ટા દર્દીઓને મોંઢાનું, 10.89 ટકા દર્દીઓને જીભના ભાગનું, 9.74 ટકા દર્દીઓને ફેફસાનું, 4.27 ટકા દર્દીઓને અન્નનળીનું અને 3.98 ટકા દર્દીઓમાં લ્યુકેમીયાનું કેન્સર જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓમાં 21.5  ટકા સ્તનનું(બ્રેસ્ટ) કેન્સર, 14.23 ટકા % ગર્ભાશયનું કેન્સર, 7.72 ટકા મોઢાનું અને 5.13 ટકા જીભના ભાગનું કેન્સર જોવા મળે છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૩૦ હજારથી વધુ દર્દીઓ કેન્સરની સારવાર મેળવે છે. જેમાંથી રાજ્ય બહારના ૨૫થી ૩૦ ટકા બહારના રાજ્યના દર્દીઓનો સમાવેશ પણ થાય છે.  કેન્સર હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સાયબર નાઇફ, ટોમોથેરાપી અને લિનિયર એક્સીલેટર જેવા તમામ પ્રકારના અત્યાધુનિક ઉપકરણો ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં ડિજીટીલ મેમોગ્રાફી, ડીજીટલ એક્સ-રે, પેટ સીટી જેવા અત્યાધુનિક મશીનથીરોગનું વહેલી તકે નિદાન કરવામાં આવે છે અને ત્યારબાદ મેડિકલ ઓન્કોલોજી વિભાગ દ્વારા કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનો થેરાપી, જેવી વિવિધ સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલાંક કેસમાં સર્જરી પણ હાથ ધરવામાં આવે છે. અહીં વર્ષ 2019માં 6873 અને વર્ષ 2018માં 7238 દર્દીઓએ રેડીએશન થેરાપી અને વર્ષ 2019માં 49611, વર્ષ 2018માં 50136 દર્દીઓએ કીમો થેરાપીની સારવાર મેળવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર