અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના 50 કરતા વધુ કર્મચારીઓએ એક સાથે કોરોના વેક્સિન લીધી

ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (14:28 IST)
કોરોનાની રસી સુરક્ષિત ન હોવાની અને તેની આડઅસરો થતી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદીના વડપણ હેઠળ સમસ્ત ઓર્થોપેડિક વિભાગના 50 કરતા વધુ કર્મચારીઓએ ઉદાહરણરૂપ કાર્ય કર્યું હતું.

ઓર્થોપેડિક વિભાગના આ કર્મચારીઓએ એક સાથે કોરોના વેક્સિન લઈને રસી અંગેની આશંકાઓ નિરર્થક અને ગેરમાર્ગે દોરનારી હોવાનો સંદેશ આપ્યો છે.કોરોના સામે રસીકરણના આજે ત્રીજા દિવસે અમદાવાદ સિવિલમાં હોસ્પિટલ સંકુલમાં કાર્યરત્ ઑર્થોપેડિક વિભાગના તમામ સિનિયર તબીબો અને સંલગ્ન કર્મચારીઓએ એક સાથે રસી મેળવીને કોરોના મહામારીને નિયંત્રણમાં લેવાની ગુજરાત સરકારની ઝુંબેશ તથા મહારસીકરણ અભિયાનમાં પોતાનો અતૂટ ભરોસો પ્રતિબિંબિત કર્યો હતો.અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જે. વી. મોદીએ સૌપ્રથમ જાતે રસી લઇને પોતાના હસ્તકના તમામ તબીબો, અધ્યાપકો, કર્મચારીઓ અને સંલગ્ન સ્ટાફમાં કોરોનાની રસી સુરક્ષિત હોવાનું અને તેની કોઇ આડઅસર ન હોવાનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું. તેમનામાંથી પ્રેરણા મેળવીને સમસ્ત સ્ટાફ કોરોના સામે રક્ષણ મેળવવા માટેની રસી લેવા પ્રેરાયો હતો, જેના પગલે પ્રાધ્યાપકોથી લઇને સંલગ્ન કર્મચારી સહિતના 50 કરતા વધુ લોકોના ઓર્થોપેડિક વિભાગે એક સાથે રસી લીધી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર રાજ્યના સમસ્ત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સહિત તમામ નાગરિકોને કોરોના સામે રક્ષણ મેળવવાની રસી આપીને અભય સુરક્ષાકવચ પ્રદાન કરવા માટે કટીબદ્ધ છે, તેવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પચાસ કરતા વધુ સ્ટાફે એક સાથે રસી લઇને સરકારના કટીબદ્ધતા પૂર્ણ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર