ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓની વોટ્સઅપ બેઈઝડ કસોટી લેવાશે, વોટ્સએપ નંબર જાહેર કરાયો

ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (10:52 IST)
રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે.વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર સ્કૂલમાં જઈ રહ્યાં છે. ત્યારે કેશોદમાં 11 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવતાં વાલીઓમાં ચિંતાઓ થઈ રહી છે. આ દરમિયાન શિક્ષણ વિભાગ અને સરકારમાં પણ હવે ધોરણ 9 અને 11ની સ્કૂલો શરૂ કરવા માટે ગંભીર વિચારણાઓ થઈ રહી છે. ત્યારે ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા વોટ્સઅપ બેઈઝડ કસોટી લેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેના માટે એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે નંબર પર વિદ્યાર્થીઓએ એક વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ દર અઠવાડીયે વિદ્યાર્થી પોતાનુ સ્વ મુલ્યાંકન કરી શકશે. પ્રથમ તબક્કામાં આગામી 23 મી જાન્યુઆરીના રોજ ધોરણ.3થી 5ના વિદ્યાર્થીની કસોટી લેવામાં આવશે. ત્યાર બાદ દર અઠવાડીયે આ કસોટી લેવાશે.23મી જાન્યુઆરીએ યોજાનારી વોટ્સએપ બેઈઝડ સપ્તાહ કસોટી દુરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થતાં ધોરણ.3થી 8ના વિષય વસ્તુ આધારીત અને ધોરણ.9થી 12 માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળાના લાઈવ ક્લાસિસના વિષય વસ્તુ આધારીત બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો પુછવામાં આવશે. વોટ્સએપ પર પ્રશ્નોના જવાબ આપ્યા બાદ તરત જ તેનું પરિણામ આવી જશે. શિક્ષણ વિભાગે જાહેર કરેલ ‘8595524523’ નંબર વિદ્યાર્થીઓએ સેવ કરી ફ્ક્ત હેલો લખશે તો ક્વિક રિપ્લાય મળશે. ત્યારબાદ વિદ્યાર્થીએ શાળાનો યુડાયસ કોડ લખીને મોકલવાનો રહેશે. જેથી સામેથી રિપ્લાયમાં સ્કૂલની વિગતો આવશે. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની ધોરણની વિગતો આપવાની રહેશે.ત્યાર બાદ નામની ખરાઈ કરતા નોંધણી થઈ હોવાનો રિપ્લાય આવશે. ત્યારબાદ વિદ્યાર્થી વોટ્સએપ પર પરીક્ષા આપી શકશે. 10 પ્રશ્નોના જવાબ આપી દીધા બાદ તરત જ તેનું પરિણામ આવી જશે અને સાચા જવાબની એક ફઈલ પણ મોકલાશે. જેમાં વિદ્યાર્થીને કચાશ જણાશે તે મુદ્દાની લીંક પણ મોકલાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર