આ વર્ષે સુરતીઓએ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા 2 દિવસની નહીં, પરંતુ 3 દિવસ માણી છે. ત્યારે હવે ઠેર ઠેર ઝાડ પર, ઇલેક્ટ્રિક વાયરો પર અને લાઇટના પોલો પર કપાયેલા પતંગો તથા ધારદાર દોરાઓ લટકતા જોવા મળી રહ્યાં છે. જોકે દોરાઓને કારણે અનેક નાના-મોટા અકસ્માતો પણ થતા જોવા મળે છે, જેમાં પશુ, પક્ષીથી માંડી માણસોને પણ જાન હાનિ થાય છે. શહેરના એક જીવદયાપ્રેમી અને વેસુ આગમ આર્કેડમાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલવતા ચેતન અને પરેશે મળી અનોખી ઓફર જાહેર કરી છે. તેમણે એવી ઓફર આપી છે કે 500 ગ્રામ દોરીની ગૂંચ લાવનારને 500 ગ્રામ સાદા ખમણ તથા 1 કિલો દોરીની ગૂંચ લાવનારને 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રીમાં આપશે. ઉલ્લેખનીય છે કે આમ તો સુરતીઓને નાસ્તામાં સૌથી પ્રિય લોચો અને ખમણ રહેતાં હોય છે, એવામાં જ ઉત્તરાયણના દિવસે આવી ઓફર મળી છે. વિક્રેતાએ કહ્યું હતું કે ઓફર 20 જાન્યુઆરી સુધી રાખી છે.