ગુજરાતમાં રવિવાર જાણો ગોઝારો સાબિત થયો હતો. રાજ્યમાં અવારનવાર થતાં અકસ્માતોમાં રવિવારે વધુ ચાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં બે વ્યક્તિના મોત થયા છે, તો 25 જેટલા લોકો ઘાયલ થયા છે. કેશોદમાં કેવદ્રા પાટીયા પાસે ટેમ્પોએ રસ્તા પર પલ્ટી મારતા બે લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભરૂચના અંકલેશ્વર નજીક માંડવા રોડ પર થયેલ અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં પણ એક જીપ પલટી મારી જતા 4 લોકો અકસ્માતના ભોગે ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં બેઠેલા ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બોટાદના બરવાળા નજીક એસટી બસ પલટી મારવાની ઘટના સામે આવી હતી. ધંધુકા-ભાવનગર હાઈવે પર ઉનાથી દાહોદ તરફ જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 12 જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.