લીંબડી-રાજકોટ-અમદાવાદ હાઇવે પર તસ્કરોએ ફિલ્મી સ્ટંટ અજમાવ્યો, ચાલુ ટ્રકમાંથી 1 કરોડની ચોરી કરી

Webdunia
મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (13:30 IST)
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાલુ વાહને ચોરી તથા લૂંટના બનાવો અવારનવાર બનતા હોય છે. ત્યારે 6 જાન્યુઆરીએ લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ચાલુ આઈશરમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. ચાલુ આઈશરમાંથી રૂ.1.07 કરોડના માલસામાનની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેના સીસીટીવી સામે આવ્યા છે. બાઇકમાં આવેલા બે શખસ ચોરી કરતા સીસીટીવી ફૂટેજમાં જોવા મળતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બે બાઇકસવારે લોક અને સીલ તોડી માલ તફડાવતા એલસીબી, એસઓજી સહિત પોલીસની વિવિધ ટીમોએ તસ્કરોની ગેંગને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે.

લીંબડીથી રાજકોટ બાજુ બોડિયા ગામ નજીક બે અજાણ્યા શખસ બાઇક પર આવીને ચાલુ આઈશરમાંથી પાછળનું લોક તથા સીલ તોડીને એમાં મૂકેલાં પૂંઠાનાં બોક્સ નંગ 719 પૈકી બોક્સની અંદર રહેલા ટાટા સ્કાયનો સામાન રૂપિયા 20 હજાર, હેડફોન તથા પાવરબેક રૂપિયા 23 હજાર, ઓટોમોબાઈલ, જેમાં પોલીસે અંદાજો લાવેલા રોકડા રૂપિયા 50 હજાર, 96 હજાર રૂપિયાના લેપટોપ તેમજ અલગ-અલગ કંપનીનાં અલગ મોડલના 259 નંગ મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા 91 લાખ 16 હજાર 563 તથા પ્રિન્ટિંગના રોલ રૂપિયા 28 હજાર, ઘડિયાળ રૂપિયા 2 લાખ 27 હજાર 385, ટેબ્લેટ 12 લાખ, એમ અલગ અલગ ચીજવસ્તુઓ મળીને કુલ રૂ. 1 કરોડ 7 લાખ 17 હજાર 133ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે બે અજાણ્યા શખસ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ ચકચારી ચોરીના બનાવ અંગે હાઇવેના વિવિધ સીસીટીવી ફૂટેજમાં બે બાઇકસવારો શંકાસ્પદ હાલતમાં આ ગાડીનો પીછો કરી પાછળના દરવાજાનું સીલ તોડી સામાન ચોરતા હોવાનું જણાઇ આવતાં પોલીસ એ સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું લીંબડી ડીવાયએસપી સી.પી. મુંધવાએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article