૮મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ભોપાલ ખાતે યોજાશે

મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (09:55 IST)
૮મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ-2022નું આયોજન ભોપાલ ખાતે ૨૧થી ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન યોજાનાર છે. દેશના સૌથી મોટા વિજ્ઞાન મહોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી શકે છે. IISFની આ વર્ષની થીમ છે 'વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતા સાથે અમૃત કાળ તરફ કૂચ'. આ જાણકારી ગુજકોસ્ટ દ્વારા સાયન્સ સિટી ખાતે આયોજિત કર્ટેન રેઝર સેશન અને પ્રેસ મીટમાં આપવામાં આવી હતી. 
 
આ કાર્યક્રમમાં વિજ્ઞાન પ્રસારના ડાયરેક્ટર ડો. નકુલ પરાશર દ્વારા જણાવવામાં આવ્યું હતું IISF -2022નું આયોજન ભોપાલ ખાતે કરવામાં આવશે. ભારતની G-20 શિખર સંમેલનની અધ્યક્ષતા સાથે આ ફેસ્ટિવલ અતિ મહત્ત્વપૂર્ણ બની રહેશે. ભારતના આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવમાં કુલ 15 કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશના સૌથી મોટા વિજ્ઞાન મહોત્સવમાં 1500 જેટલા યુવા વૈજ્ઞાનિક અને સંશોધનકારો સહભાગી બનશે, સાથે જ મેગા- સાયન્સ એક્સ્પો પણ જોવા મળશે, જેમાં ભારતની વૈજ્ઞાનિક અને તકનીકી કૌશલ્યની ઝલક પણ જોવા મળશે. 
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષના IISFની થીમ 'વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા સાથે અમૃતકાળ તરફ કૂચ' રખાઈ છે, જેનો પ્રાથમિક હેતુ વિજ્ઞાનની સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વૈજ્ઞાનિક સમુદાયો અને સામાન્ય જનતાને એક સાથે લાવવાનો છે અને માનવતાની સુખાકારી માટે વિજ્ઞાનના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 
 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, IISF એ વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, નાગરિકો, નીતિનિર્માતાઓ, ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ શરૂ કરનારા, ઉદ્યોગ ગૃહો સહિત સૌ માટે એક અનોખું આદાન-પ્રદાન કરવાની તક પૂરું પાડતું પ્લેટફોર્મ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભારતે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે, જે દરમિયાન દરેક નાગરિક માટે વિજ્ઞાનને વધુ સુલભ બનાવવું જરૂરી છે. જેથી કરીને તેઓ જન ભાગીદારીની સાચી ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં ભાગ લઈ શકે અને આ વર્ષની થીમ વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતાઓનો ઉપયોગ કરીને સામાજિક મુદ્દાઓને ઉકેલવાની ભાવનાને પ્રજ્વલિત કરે, એવી રાખવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 
 
વિજ્ઞાન પ્રસાર સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો. ભરત ભૂષણે જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલની 15 અલગ અલગ ઇવેન્ટ્સમાંથી ખાસ કરીને વિજ્ઞાન ક્ષેત્રે ગ્લેમર ઉમેરવા કલાકારો પણ સહભાગી બનવાના છે. આ ઉપરાંત ટેકનોલોજી વિલેજ, વોકલ ફોર લોકલ, સ્ટુડન્ટ સાયન્સ વિલેજ 2022, વિજ્ઞાન સાહિત્ય ઉત્સવ તેમજ સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ સહિતના વિશિષ્ટ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે આ એક અનોખી તક છે જ્યાં તેઓને ભારતના પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે સીધો સંપર્ક શક્ય બનશે અને તેઓ તેમની પાસેથી અવનવી બાબતો શીખી શકશે. 
 
સ્ટાર્ટઅપ માટે પણ અલગથી ઇવેન્ટ યોજાશે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલનો વ્યાપક પ્રસાર કરવા અને તેમાં આયોજિત થનારા વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકો સંશોધકો, ટેકનોલોજીસ્ટ, નીતિ નિર્માતાઓ, કારીગરો, સ્ટાર્ટઅપ્સ અને ખેડૂતો સહિતના લોકો જોડાય અને વિજ્ઞાન અને કૌશલ્ય દ્વારા રાજ્યના અને દેશના નિર્માણ માટે પોતાની ભાગીદારી નોંધાવે તે માટે સૌ પ્રયત્નશીલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર