દેશના ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજી ધોળકિયા ભરૂચ નજીક નર્મદા નદીની મધ્યમાં તેમના આકાર પામી રહેલા વૈભવી ફાર્મહાઉસને લઇ વિવાદમાં સપડાયા છે. રીસોર્ટ સુધી પહોંચવા નર્મદાના પટને ચીરી રસ્તો બનાવી દેવાતા આજે મામલતદારની ટીમ તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમજ તાત્કાલિક રસ્તા માટે નર્મદામાં ઉભા કરાયેલા અવરોધને દૂર કરવા આદેશ જારી કરાયા હતા. ભરૂચ ખાતે નર્મદા નદીની માધ્યમ આવેલા બેટ ઉપર વિશાળ પ્લે ગ્રાઉન્ડ અને વૈભવી સુવિધાઓથી સજ્જ આકાર પામી રહેલા ફાર્મ હાઉસ સુધી પહોંચવા નર્મદા નદીમાં પ્રવાહને ચીરી રસ્તો બનાવી દેવતા વિવાદ સર્જાયો છે. સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાના આ ફાર્મ હાઉસ માટે નર્મદા નદીમાં વિશાળ બેટ ઉપર તડામાર તૈયારીઓ ચાલી રહી છે.એક તરફ નર્મદા નદીનું પાણી ડાઉન સ્ટ્રિમ સુધી પહોંચતું નથી ત્યારે આ પ્રકારના અવરોધનાં કારણે ઉહાપોહ મચ્યો હતો. ઘણા સમયથી બનવાયેલ રસ્તા મામલે તંત્ર પણ એક્શનમાં ન આવતા ગાંધીનગર સુધી મામલો પહોંચતા આજે ભરૂચ તાલુકા મામલતદાર અને સિંચાઈ સહિતના અધિકારીઓ તાપસ માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. માપણીની કાર્યવાહી શરુ કરતા ફાર્મ હાઉસના સુપરવાઇઝર કાંઠા ઉપર દોડી આવ્યા હતા. અધિકારીઓ સહીત કોઈને પણ ફાર્મહાઉસમાં પ્રવેશ માટે મનાઈ ફરમાવતા આ સુપરવાઈઝરોએ અધિકારીઓને મનાવવા દોડધામ શરુ કરી હતી.સ્થળ તાપસ બાદ અધિકારીઓની ટીમે તાત્કાલિક નદીમાં ઉભો કરાયેલ અવરોધ દૂર કરવા સૂચના આપી કામગીરી પૂર્ણ કાર્યનો સંતોષ માની રવાના થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ડાઉન સ્ટ્રિમના હજારો લોકો પાણી માટે વલખા મારે છે ત્યાં બીજી તરફ વૈભવી જીવન માટે નદીના પ્રવાહમાં અવરોધનો મામલો ગંભીર બાબત ગણી શક્ય તેમ છે છતાં તંત્રે માત્ર અવરોધ દૂર કરાવી કાર્યવાહી પૂર્ણ ઘોષિત કરતા અધિકારીઓ સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.