યાત્રાધામના વિકાસ મામલે હાઈકોર્ટની રૂપાણી સરકારને લપડાક, જાણો શું કર્યો આદેશ
સોમવાર, 6 મે 2019 (17:44 IST)
રાજ્ય સરકારે બનાવેલા પવિત્ર યાત્રાધામ બોર્ડ સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી પિટિશન મામલે હાઈકોર્ટે સરકારને અન્ય ધાર્મિક સ્થળોને પણ બોર્ડમાં સામેલ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે પવિત્રયાત્રા ધામ બોર્ડમાં ખ્રિસ્તી, ઇસ્લામ, પારસી, બૌદ્ધ સહિતના ધાર્મિક સ્થળોને પણ સામેલ કરવા રાજ્ય સરકારને હુકમ કર્યો છે. હાઇકોર્ટે સરકારને 14 જૂન સુધીમાં એફિડેવિટ કરી જવાબ રજૂ કરવા કહ્યું છે. પવિત્ર યાત્રાધામ બોર્ડે સમાવિષ્ટ કરેલા 358 જેટલા ધાર્મિકસ્થાનો માત્ર એક ધર્મના હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરાઈ હતી. બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી અયોગ્ય હોવાની રજૂઆત થઈ હતી. સરકાર કોઈ એક ધર્મ માટે પૈસાની ફાળવણી ન કરી શકે અને ધર્મના આધારે આ પ્રકારની ફાળવણી ગેરબંધારણીય હોવાની ફરિયાદ સાથે અરજદારે દાવો કર્યો હતો કે સરકારે જો યાત્રાધામોનો વિકાસ જ કરવો હોય તો તમામ ધર્મના યાત્રાધામોનો પણ વિકાસ કરવાની સરકારની જવાબદારી છે.. ગુજરાતમાં આ વર્ષે બજેટમાં મોઢેરાને સૌર ઊર્જા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા 22 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ. 281 કરોડ, મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે 22 કરોડ, સાબરમતી આશ્રમમાં લાઈટ સાઉન્ડ શો માટે 20 કરોડ, યાત્રાધામ વિકાસમાં પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રધામોના વિકાસ માટે 28 કરોડ અને આઠ યાત્રાધામના વિકાસ માટે 15 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય પ્રાચીન ગિરનારના તૂટેલાં અને જિર્ણ થઈ ગયેલા દસ હજાર જેટલા પગથિયાંના રિપેરીંગ માટે 20 કરોડ જેટલી મોટી રકમ ફાળવી દેવામાં આવી છે.