ગુજરાતમાં ભરઉનાળે હવે માત્ર નર્મદા ડેમના પાણી પર જ આધાર

મંગળવાર, 7 મે 2019 (11:55 IST)
એક તરફ, સરકાર એવા દાવા કરી રહી છેકે, ચોમાસા સુધી ગુજરાતમાં પાણીની કોઇ સમસ્યા સર્જાશે નહીં . આ તરફ , ગુજરાતના ડેમો સૂકાઇ રહ્યાં છે. રાજ્યના ૧૧૦ ડેમોમા તો પાણીનુ ટીપુંય રહ્યુ નથી. આ સંજોગોમાં હવે નર્મદા ડેમના પાણી પર આધાર રહ્યો છે. વર્તમાન પરિસ્થિતીને જોતાં આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન વિકટ બને તેવા એંધાણ છે. ઉત્તર ગુજરાત , સૈારાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સ્થિતી સૌથી વિકટ બની છે. કચ્છના ૨૦ ડેમોમાં અત્યારે માત્ર ૧૨.૨૭ ટકા પાણી બચ્યુ છે. સૌરાષ્ટ્રમાં ૧૩૮ ડેમોની એવી દશા છેકે, માત્રને માત્ર ૯.૪૫ ટકા પાણી રહ્યુ છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૧૫.૬૨ ટકા પાણીનો સંગ્રહ છે. કુલ મળીને ૨૦૩ ડેમોમાં માત્ર ૨૦.૬૫ ટકા પાણીનો જ્થ્થો સંગ્રહાયેલો રહ્યો છે. જિલ્લાઓની પરિસ્થિતી પર નજર કરીએ તો , અમરેલી , જામનગર ,પોરબંદર , દ્વારકા ,ભાવનગર , ખેડા ,છોટાઉદેપુર , બનાસકાંઠાના ડેમોમાં પાણીની ટકાવારી ૧૫ ટકાથી ય ઓછી છે. હાલમાં માત્ર નર્મદા ડેમમાં જ પાણીનો ૫૧.૩૫ ટકા જથ્થો છે જેના થકી રાજ્યમાં પાણીનો પ્રશ્ન ઉકેલાઇ રહ્યો છે.નર્મદાના પાણીથી હાલમાં ગુજરાતની જનતાની તરસ છિપાઇ રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે ડેમોમાં પાણી સુકાઇ રહ્યાં છે. આગામી પંદરેક દિવસમાં ડેમોમાં જળસ્તર ઘણાં નીચે જઇ શકે છે જેના કારણે શહેરો-ગામડાઓને આપતાં પાણી વિતરણ પર ભારે અસર પહોંચી શકે છે. રાજ્યના ૧૭૭ ડેમોમાં ૨૫થી ટકા ઓછુ પાણી છે. ૧૯ ડેમો એવા છે જેમાં માત્ર ૫૦ ટકા સુધી પાણી છે. માત્રને માત્ર બે ડેમો એવાં છે જેમાં ૭૦ ટકાથી વધુ પાણી છે. ડેમોમાં જે રીતે જળસ્તર ઘટી રહ્યાં છે તે જોતાં હવે સરકારના દાવા કેટલા સાચાં ઠરે છે તે જોવાનુ રહ્યું.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર