ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટતા સાથે જણાવ્યું કે, આંદોલનને અલ્પવિરામ જ આપીએ છીએ તેને પૂર્ણવિરામ સમજવું નહી. શિસ્તાથી અને બૌદ્ધિકતાથી આગળ વધવાની અમારી રણનીતી હશે. રૂપાલાએ આજની માફી મીડિયા સમક્ષ માંગી છે ત્યારે હવે આગળ શું કરવું? એ માટે સંકલન સમિતિ બેઠક કરી નિર્ણય કરશે. રૂપાલાએ આજે કહ્યું હતું કે, મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટા વમળો સર્જાયા છે. એ મારું નિવેદન હતું, સમગ્ર ઘટનાનો કેન્દ્રબિંદુ પણ હું જ હતો. તેના કારણે ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી તેના કારણે ભાજપ પક્ષ તેમાં લપેટાઈ ગયો. એક સમયે મારા નિવેદન મારી પાર્ટી માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહક રહેતા હતાં. પરંતુ આ વખતે મારા નિવેદનને કારણે સમગ્ર ભાજપ પક્ષ દ્વિધામાં મુકાયો હતો.
હિન્દુત્વ અને રામ રાજ્ય વિશે અમને કોઈ શીખવાડશો નહિ
ક્ષત્રિય સમાજના આગેવાન ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું હતું કે, ફરીવાર માફી માટેની માંગ કરી છે પરંતુ, અમારી પહેલા માંગ શું હતી? અને આ વાતને રાજકીય સ્વરૂપ આપવાની શું જરૂર હતી? એ સમજી નથી શક્યા. આ બધું રાજકીય સ્વરૂપે જે થઇ રહ્યું છે, સમાજે સમજવાની જરૂર છે. અત્યાર સુધી થયું તે થયું પણ હવે થશે તે પણ બધું શાંતિપૂર્ણ માહોલમાં થશે અને શિસ્તતાથી થશે. બૌદ્ધિકતાથી આગળ વધવું એ અમારી રણનીતિ હશે. આ આંદોલનને અહીંયા અલ્પવિરામ જ આપીએ છીએ. પૂર્ણવિરામ સમજવું નહીં. અમારા વડીલો આના ઉપર મનોમંથન કરશે. ક્ષત્રિયોથી જ ઇતિહાસ રચાયા છે તો હવે આ ઘડી આવી ગઈ છે. પોઝિટિવ એનર્જી આવી રહી છે. હિન્દુત્વ અને રામ રાજ્ય વિશે અમને કોઈ શીખવાડશો નહિ.
બહેનોની અસ્મિતા મામલે કોઈપણ કોમ્પ્રોમાઈઝ નહીં
દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આંદોલન પણ અમે શાંતિપૂર્ણ રીતે જ ચલાવ્યું છે. અમારામાં ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. છતાં કોઈપણ રીતે ઉશ્કેરાટ વિના મત એ જ શસ્ત્ર સમજીને અમે શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવ્યું છે. પુરૂષોત્તમ રૂપાલાએ આજે માફી માંગી તે વિશે પણ હું જણાવવા માંગુ છું કે, તેઓએ ક્ષત્રિય સમાજના કોઈ પ્લેટફોર્મ ઉપરથી માફી ક્યારેય માંગી નથી. આજે પણ તેમણે મીડિયા દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી પ્રેસ કરી માફી માંગી છે. ક્ષત્રિય સમાજ તેમને માફી ક્યારે આપશે તે હવે પછીની બેઠકમાં નક્કી કરવામાં આવશે.મારા સુધી લોકો દ્વારા ધમકીનાં ફોન કરવામાં આવ્યા છે. તેને પણ અમે સ્વીકારી લેવા તૈયાર છીએ પણ બહેનોની અસ્મિતા મામલે કોઈપણ કોમ્પ્રોમાઈઝ કરવા સમાજ તૈયાર નથી.40 દિવસ સુધી અમારું આંદોલન આટલા મોટા પક્ષ સામે ચાલ્યું છે. આટલી મોટી સત્તા સામે લડત આપનાર આ આંદોલન હતું. જેને કઈ રીતે આગળ ધપાવવું તેનો નિર્ણય સંકલન સમિતિનાં સભ્યો લેશે.