ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ સંપન્ન, મતદાન આ વખતે ઓછું કેમ ? કોને શું થશે અસર

બુધવાર, 8 મે 2024 (09:02 IST)
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું અમરેલીમાં 45.59 ટકા મતદાન થયું છે. મતદાન પૂર્ણ થતાં 266 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે.
 
લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કા માટે મંગળવારે 11 રાજ્યોમાં 93 લોકસભા સીટો પર મતદાન થયું હતું.
 
ચૂંટણીપંચ અનુસાર, મંગળવારે રાતે 11.40 વાગ્યા સુધીમાં 93 સીટ પર સરેરાશ 64.58 ટકા મતદાન થયું છે. જોકે મતદાનની ટકાવારીમાં હજુ ફેરફાર થઈ શકે છે, કેમ કે ચૂંટણીપંચે મતદાનના અંતિમ આંકડા હજુ સુધી જાહેર કર્યા નથી.
 
આસામમાં સૌથી વધુ 81.71 ટકા મતદાન થયું છે અને ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 57.34 મતદાન થયું છે. મતદાનની ટકાવારી પર એક નજર નાખીએ તો...
 
બિહાર- 58.18
છત્તીસગઢ- 71.06
દાદરા, નગરહવેલી અને દીવ-દમણ- 69.87
ગોવા- 75.20
ગુજરાત- 59.51
કર્ણાટક- 70.41
મધ્યપ્રદેશ- 66.05
મહારાષ્ટ્ર- 61.44
પશ્ચિમ બંગાળ- 75.79
ગુજરાતની કુલ 25 બેઠકો પર અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું હતું.
 
ગુજરાતની કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર મતદાન યોજાયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ચૂક્યા છે.
 
સૌથી મહત્વની વાત એ હતી કે આ વખતે મતદાન જાગૃતિ માટેના ચૂંટણીપંચ અને તંત્રના અનેક પ્રયાસો છતા મતદાન પ્રત્યે લોકોમાં જોઇએ તેટલો ઉત્સાહ જોવા મળ્યો ન હતો.. સોશિયલ મીડિયા મારફતે પણ મતદાન જાગૃતિ માટે પ્રયાસો થયા હતા પરંતુ તેની ખાસ અસર જોવા ન મળી..એટલું જ નહીં મતદાનને પ્રોત્સાહન આપવા માટે મતદારોને આપવામાં આવેલી ઓફરો પણ કારગત ન નીવડી હોય તેવું લાગ્યું.
 
માનવામાં આવે છે કે ઓછુ મતદાન સત્તાપક્ષને નુકસાન કરનારુ હોય છે. એવું માનવામાં આવે છે કે મતદારની નારાજગી કે નિષ્ક્રિયતા હમેંશા શાસક પક્ષ સામે હોય છે. લોકો જ્યારે શાસક પક્ષથી નારાજ હોય ત્યારે મતદાનથી અલિપ્ત રહેતા હોય છે.. જો કે આ તબક્કે કંઇપણ કહેવું ઉતાવળીયું ગણાશે, ત્યારે હવે સાચા નિષ્કર્ષ માટે પરિણામની રાહ જોવી રહી.
પેટાચૂંટણીવાળા વિસ્તારોમાં મતદાનમાં એકંદરે નિરસતા
 
ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો સાથે પાંચ વિધાનસભાની બેઠકો પર પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જ્યાં પેટાચૂંટણી છે એ પૈકી માણાવદર અને પોરબંદર બેઠકોમાં એકંદરે ઓછું મતદાન જોવા મળ્યું છે.
 
પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી માટે ત્રણ વાગ્યા સુધીમાં મતદાન:
 
વીજાપુર: 50.53%
ખંભાત: 49.83%
પોરબંદર: 41.03%
વાઘોડિયા: 52.76%
માણાવદર: 40.09%
જે બેઠક પર પેટાચૂંટણી જાહેર નથી થઈ એ વીસાવદર વિસ્તારમાં લોકસભા ચૂંટણીમાં ત્રણ વાગ્યા સુધીમાં માત્ર 34.37 ટકા મતદાન થયું છે.
 
અહીં ઉલ્લેખનીય છે કે આ તમામ બેઠકો પર કૉંગ્રેસના ધારાસભ્યો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. ત્યારબાદ તેઓ રાજીનામું આપીને ભાજપમાં ભળી ગયા હોવાથી આ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ હતી. પેટાચૂંટણીમાં ભાજપે એ જ પાંચ ઉમેદવારોને ટિકિટ આપી છે.
 
પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને માણાવદરથી અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર