તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર

Webdunia
બુધવાર, 2 જૂન 2021 (10:18 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ઉર્જામંત્રી સૌરભ પટેલ, મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એસી.એસ.શ્રી પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશનર ડી.પી.દેસાઇ જોડાયા હતા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ રાહત સહાય પેકેજની વિગતો આપતા કહ્યું કે, સાગરખેડૂ-માછીમારોને તાઉ-તે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુકસાનમાંથી પુન:બેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ 105 કરોડ રૂપિયાનું ઉદારતમ પેકેજ સરકારે જાહેર કર્યું છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદોરોને ઘમરોળીને કલાકના 220 કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો. આના પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમૂક કિસ્સાઓમાં મત્સ્યબંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુક્સાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 1600 કિ.મીનો સૌથી લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં પોરબંદરથી ઉમરગામ સુધીની દરિયાઇ પટ્ટીમાં નાના-મોટા મત્સ્યબંદરો પરથી અનેક સાગરખેડૂ પરિવારો દરિયો ખેડીને માછલી-ઝિંગા જેવા મત્સ્ય ઉત્પાદનો મેળવી તેના વેચાણથી પોતાની આજીવિકા રળીને નિર્વાહ કરતા રહ્યા છે. તાજેતરમાં આ વિનાશક તાઉ-તે વાવાઝોડાએ આવા સાગરખેડૂ ભાઇઓની મત્સ્ય હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોના કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકિય સગવડોને નુક્સાન કર્યું છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મત્સ્યોદ્યોગ માટેના આ રાહત પેકેજ જાહેર કરતા પૂર્વે રાજ્યના મત્સ્યદ્યોગ-બંદર વિભાગના મંત્રી જવાહરભાઇ ચાવડા અને સચિવ નલિન ઉપાધ્યાય સહિતના વરિષ્ઠ અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લા અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથના બંદરોની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લઇને માછીમાર પરિવારોને થયેલા હોડીઓના, મોટીબોટના, ટ્રેલરના તેમજ જેટી-બંદરોને થયેલા નુક્સાનનો સર્વગ્રાહી સર્વે સ્થાનિક માછીમોરોની રજૂઆતો ધ્યાને લઇને કર્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article