પાણી જ વિકાસનો મુખ્ય આધાર-પાણી માટે ચિંતન-મંથનની શિબિર ‘રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ’

Webdunia
શનિવાર, 6 જુલાઈ 2019 (17:44 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં ૧૦૦ ટકા ‘‘નલ સે જલ’’ સંકલ્પ સાકાર કરી સૌને ઘરે-ઘરે શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવાની નેમ વ્યકત કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘર-ઘર જલના સપનાને પૂર્ણ કરવામાં ગુજરાત અન્ય વિકાસકાર્યોની જેમ જ દેશનું મોડેલ બનશે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ ર૦૨૪ સુધીમાં ઘરે-ઘરે ફિલ્ટર કરેલું સ્વચ્છ પાણી પાઇપલાઇન-નળથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવાનું સપનું સંજોર્યુ છે. ગુજરાતે આ સપનું આગામી ૩ જ વર્ષમાં એટલે કે ર૦રર સુધીમાં પૂર્ણ કરવા આ વર્ષના બજેટમાં જ નાણાં ફાળવણી કરી દીધી છે. બજેટ રજૂ થયાના ગણતરીના દિવસોમાં જ નલ સે જલનો સંકલ્પ પાર પાડવાના આયોજન સાથે પાણી પૂરવઠા વિભાગે એકશન પ્લાન બનાવી ચિંતન શિબિરથી કમર કસી છે તે માટે મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. 
 
ગુજરાત હંમેશા વિકાસમાં અગ્રેસર રહ્યું છે તેની સરાહના કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું કે, પાણી પૂરવઠાના ઇજનેરોના કૌશલ્ય અને પડકારોને પહોંચી વળવાના સામર્થ્યને કારણે છેલ્લા બે દાયકામાં પાણી પૂરવઠા બોર્ડ અને વિભાગની છાપમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ઢાંકી પંપીગ સ્ટેશન, વોટરગ્રીડ સહિત કચ્છ સૌરાષ્ટ્રના છેવાડાના વસ્તારોમાં પાણી પહોચાડવાની સિધ્ધિ હવે નામૂમકીનને મૂમકીન બનાવી દેવાની ગુજરાતની પહેચાન બની છે. ગુજરાતે હવે વોટર ડેફિસીટ સ્ટેટની છાપ ભૂંસી નાંખી છે અને માત્ર નલ સે જલ નહિ પરંતુ રિસાયકલીંગ, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, ડિસેલીનેશન પ્લાન્ટ જેવા અદ્યતન આયામોથી ગુજરાત પાણીદાર રાજય બન્યુ છે. હવે સમય છે ટેઇક ઓફ નો તેવું આહવાન કરતા વિજય રૂપાણીએ ઉમેર્યું કે  છેવાડાના માનવીને પણ પાણીની સરળ ઉપલબ્ધીના આયોજન નાણાંના અભાવે અટકવા નહીં દેવાય.
 
તમે સંકલ્પ કરો સરકાર તમારી પડખે છે તેવી પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે આઝાદીના ૬૦-૬૫ વર્ષ સુધી પીવાના પાણી રસ્તા, ગટર, લાઈટ જેવી પાયાની સુવિધાઓના આયોજન પૂરતા ન થયા હોય એ આપણી કમનસીબી છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ સરકારે આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ૨૦૨૨માં ઉજવીયે ત્યાં સુધીમાં દેશને આવી સુવિધાઓ સંપૂર્ણતઃ પુરી પાડવા સાથે આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં નવતર અભિગમોથી જનજીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવી વિકાસના નવા પરિમાણોથી સમય સાથે ચાલીને સાતત્યપૂર્ણ વિકાસનો સંકલ્પ કર્યો છે. પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા મુખ્યમંત્રીએ સૌને પૂરતું શુદ્ધ પાણી પહોંચાડી પ્રજા કલ્યાણની ભાવના સાથે તેમજ કોઇ જ પર્સનલ એજન્ડા વિના ઇમાનદારીપૂર્વક આગળ વધવાના નિર્ધાર સાથેની આ શિબિરને ‘રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ’વર્ણવી હતી. 
 
પાણી પૂરવઠા વિભાગના અગ્રસચિવ જે. પી.ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વર્ષ સુધીમાં દેશના ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવાનો સંકલ્પ કર્યો છે તેને ચારિતાર્થ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વર્ષના બજેટમાં પણ પૂરતા નાણાની જોગવાઇ કરી છે. ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં તમામ ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાનો સરકારે નિર્ધાર કર્યો છે એને પરિપર્ણ કરવા માટે આપણે સંકલ્પબદ્ધ બનવું પડશે.
 
જે. પી ગુપ્તાએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીના આ સપનાને સાકાર કરવા માટે રાજ્યના ૩૩ જિલ્લાના ૩૦૦થી વધુ અધિકારીઓએ ત્રણ દિવસ માટે સામૂહિક ચિંતન કર્યું છે. જેમાં પીવાના પાણીની સુવિધા, યોજનાઓની ડિઝાઇનથી માંડીને પાણીના વિતરણ સહિતના વિષયો માટે તથા પાણીના રીયુઝ માટે પણ ચિંતન કરવામાં આવ્યું છે. પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે કયારેય નાણાની ચિંતા કરી નથી અને કરશે પણ નહીં તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજ્ય સરકારના નર્મદા-જળ સંપત્તિ સલાહકાર નવલાવાલા, જી.આઇ.ડી.એમ.ના ડાયરેકટર પી.કે.તનેજા, પાણી પૂરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article