ગુજરાતમાં સરકારી વચનો પોકળ, કાયદો વ્યવસ્થાના ઘજાગરા. છેલ્લાં 5 દિવસમાં સગીરા પર દુષ્કર્મનો સાતમો બનાવ

Webdunia
મંગળવાર, 21 માર્ચ 2017 (13:19 IST)
નલિયાકાંડ બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક તપાસ કમિટી રચીને ન્યાય અપાવવાની વાત કરી હતી અને કોઈને પણ નહીં છોડવામાં આવે તેવા વચનો આપ્યાં હતાં. તે ઉપરાંત કોંગ્રેસ પણ આ મામલે એકદમ ઉત્સાહિત થઈને બાદમાં ઠંડી પડી ગઈ હતી. ત્યારે ગુજરાતમાં ચિંતાજનક રીતે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે ગુજરાત માટે શરમજનક એક પછી એક દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. આજે ગીર સોમનાથના સૂત્રાપાડામાં સગીરા પર બે યુવકો દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ધામળેજ ગામની સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કોડીનાર-ઉના રોડ પર લઇ જઇ સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટનાએ સમગ્ર ગીર-સોમનાથ પંથકમાં ચકચાર જગાવી છે. આ ઘટનામાં કોડીનાર પોલીસે બે યુવકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સગીરા પર રેપની ઘટનાએ માત્ર ગીર-સોમનાથ જ નહીં સમગ્ર રાજ્યમાં કમકમાટી ફેલાવી દીધી છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ દિવસમાં જ 7 સગીરા અને એક યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. ત્રણ – ચાર દિવસ પહેલાં જ દેવગઢ-બારિયામાં બે સગીર વયની બહેનો પર બાપની નજર સમક્ષ જ દુષ્કર્મ આચર્યાની ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડ્યા હતા. તેના ત્રીજા દિવસે જ બાંગ્લાદેશની સગીરા પર અમદાવાદ અને માંગરોળમાં 21થી વધુ નરાધમોએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ સિવાય અરવલ્લીના મોડાસામાં અને વડોદરાના પાદરામાં સગીરા પર દુષ્કર્મની આચર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. તદઉપરાંત મહેસાણામાં એક યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઇ હતી.
Next Article