રાજકોટ એરપોર્ટને વધુ એક ભેટ મળી રહી છે. રાજકોટ એરપોર્ટની પાઈલોટ ટ્રેનિંગ સ્કૂલ માટે પસંદગી કરવામાં આવી છે. આ માટે અમદાવાદથી 3 પાઈલોટની ટીમ રાજકોટ આવી છે અને અધિકારીઓ સાથે મિટિંગ કરી એરપોર્ટ પર સર્વે કર્યો હતો. જો રાજકોટ એરપોર્ટને પાઇલોટ ટ્રેનિંગ સ્કૂલની ભેટ મળે તો યુવાનોને ઘર આંગણે જ પાઇલોટ બનવાની તક મળશે.ઇન્ફિનફ્લાય એવિએશન લિમિટેડ દ્વારા પાઇલોટ ટ્રેનિંગ સ્કૂલ બનાવવા માટે રસ દાખવ્યો છે. અમદાવાદના ત્રણ પાઇલટ્સે આજે રાજકોટ એરપોર્ટની મુલાકાત લીધી હતી. પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરવા માટે તેઓએ રસ વ્યક્ત કર્યો હતો. તેઓ એરપોર્ટ સુવિધાથી સંતુષ્ટ છે. પ્રક્રિયામાં થોડો સમય લાગશે પણ આશા છે કે રાજકોટ એરપોર્ટ પર છ મહિનામાં પાઇલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થઇ શકે તેમ છે.કમર્શિયલ પાઇલોટ પ્રતિકે જણાવ્યું હતું કે, અમે આજે ત્રણ પાઇલોટની ટીમ અમદાવાદથી રાજકોટ આવ્યા છીએ. રાજકોટની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે, રાજકોટ સૌરાષ્ટ્રનું મેઇન સિટી છે. સૌરાષ્ટ્રમાં હજી સુધી ફ્લાઇંગ ઇન્સ્ટીટ્યૂટ નથી. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ દૂર જવું પડે નહીં. ડોક્ટર-એન્જિનિયર સિવાય યુવાનો પાઇલોટ બને તે દિશા તરફ પણ આગળ વધવાની તક મળશે. આ માટે અમે રાજકોટની પસંદગી કરી છે. આજે સર્વે કર્યો તેમાં રિક્વાયરમેન્ટ પ્રમાણે એરક્રાફ્ટ પાર્ક કરવા માટે કેટલીક જગ્યા હોવી જોઇએ. રિક્વાયરમેન્ટ પ્રમાણે ફીલફૂલ થાય છે કે નહીં તેનો સર્વે કરવામાં આવ્યો છે. ફૂલફેઝમાં ટ્રેનિંગ શરૂ કરવા માટે 6 મહિનાથી 1 વર્ષનો સમય લાગી શકે છે.