અમદાવાદમાં પ્રદુષણ PM 2.5ને વટાવી ગયુ છે તેને ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 100 ઈલેક્ટ્રિક બસ દોડાવાનો પ્રયોગ કરવાનું વિચારી રહ્યું છે. આ બસો BRTS કોરિડોર અને નોર્મલ ટ્રાફિક લેન પર દોડશે. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું કે, બસની સાથે સાથે BRTS, AMTSની બસ અને મેટ્રો રેલ નજીક યાત્રીઓની સગવડતા માટે ઈલેક્ટ્રિક ઓટો રિક્ષા પણ ચલાવવામાં આવશે. શરૂઆતમાં શહેરમાં 15થી 20 ચાર્જિંગ પોઈન્ટ હશે જે આ બસો માટે ઉપલબ્ધ હશે.
આ ઈલેક્ટ્રિક બસ એક વખત ચાર્જ કર્યા પછી 175 કિલોમીટર સુધી ફૂલ કેપેસિટીમાં દોડી શકશે. AMCના સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના નેશનલ ઈલેક્ટ્રિક મોબિલિટી મિશન અને હેવી ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ ગણતરીના શહેરો માટે ગ્રાન્ટ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ વર્ષના અંત સુધીમાં તે મંજૂર થાય તેવી શક્યતા છે. આ માટે શહેરની વસ્તી, વાહનોની સંખ્યા અને સ્વચ્છતા મિશનમાં શહેરના રેન્કિંગ વગેરેને ધ્યાનમાં રાખીને શહેરો પસંદ કરવામાં આવશે. અમદાવાદમાં ટૂંક જ સમયમાં એર એક્શન પ્લાન લાગુ પાડવામાં આવશે. તેની મુખ્ય શરત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઓછુ પ્રદુષણ ફેલાવતા વાહનો શરૂ કરવાનું હશે. PM 2.5 પ્રદુષણ હવે શહેર માટે ચિંતાનો વિષય બની ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવી દિલ્હીમાં યોજાયેલા પાંચમા સ્માર્ટ સિટી કોન્ક્લેવ માટે સ્માર્ટ સિટી એવોર્ડ એનાયત કરાયો છે. આ એવોર્ડ સ્માર્ટ સિટી મિશનના સીઈઓ રાકેશ શંકરને આપવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું કે 11 મોટા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાંથી ત્રણ તો પહેલેથી ચાલુ કરી દેવામાં આવ્યા છે.