કોલ સેન્ટરમાં પ્રત્યેક કર્મચારી દરરોજ એટેન્ડ કરે છે આટલા ફોન કોલ, સૌથી વધુ અમદાવાદથી આવે છે કોલ

Webdunia
શનિવાર, 16 મે 2020 (15:46 IST)
સાહેબ, મને કોરોના થઇ ગયો હોય એવું સતત લાગ્યા કરે છે...સાહેબ, મને તાવ આવ્યો છે કે નહિં તે હું સતત ચેક કર્યા કરું છું...સાહેબ, કોરોના થઇ ગયો હોય અને તાવ-ખાંસી પણ ના આવે એવું બને ખરું?... આવા તો કેટ કેટલા ફોન કોલ હવે હેલ્પલાઇન નં.૧૦૪ ઉપર આવી રહ્યા છે. રાજ્ય સરકારે કોરોનાને લગતા પ્રશ્નો માટે શરુ કરેલી આ હેલ્પલાઇનમાં ચિંતા, હતાશા અને તણાવનો ભોગ બનેલા વ્યક્તિઓનાં પણ કોલ આવી રહ્યા છે. 
 
જો કે તેના માટે અલગથી હેલ્પલાઇન નં.૧૧૦૦ શરુ કરાયેલી છે તેમ છતાં આ ૧૦૪ નંબર પર કોલ કરી આવે તો તેમને પણ સંતોષકારક જવાબ આપી જરુર જણાય તો ડિપ્રેશનનો ભોગ બનેલા આવા નાગરિકોને કોન્ફ્રન્સ કોલ મારફતે નિષ્ણાંતો દ્વારા સાયકોલૉજિકલ કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યુ છે.
 
ગુજરાતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા વધતાની સાથે શરુ થયેલા નકારાત્મક સમાચારો અને સોશિયલ મિડિયાના બિહામણા મેસેજીસને કારણે ઘણાં નાગરિકો ચિંતા અને હતાશાનો ભોગ બન્યા છે. રાજ્ય સરકારને ધ્યાને આવેલી આ બાબતને ગંભીરતાથી લઇને ખાસ હેલ્પલાઇન નં.૧૧૦૦ શરુ કરવામાં આવેલી છે. 
કોરોનાને લગતી માહિતી અને મદદ માટે કાર્યરત મેડિકલ હેલ્પલાઇન ૧૦૪માં પણ આવા ઘણા કોલ આવી રહ્યા છે ત્યારે તેમને સંપૂર્ણ સંવેદનાથી સાંભળી હતાશ થઇ ગયેલા આવા વ્યક્તિઓનું અહીથી પણ સાયકોલૉજિકલ કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યુ છે. રાજ્ય સરકારની સુચનાથી GVK EMRI દ્વારા શરુ કરાયેલી આ ૧૦૪ હેલ્પલાઇન ખુબ જ અસરકારક સાબિત થઇ છે. માર્ચથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ ફોન કોલ આ હેલ્પલાઇન ઉપર આવ્યા છે.
 
હાલની સ્થિતીમાં જે રીતે ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મી, પોલીસ ખડેપગે રહીને કામ કરી રહ્યાં છે એ જ રીતે હેલ્પલાઇન નંબર ૧૦૪ના કર્મચારીઓ પણ અવિરત ૨૪*૭ કામ કરી રહ્યા છે. આ હેલ્પલાઇન દ્વારા કોરોનાને લગતી માહિતી અને સૂચન મેળવી શકાય છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા આ હેલ્પલાઇન પર કોલ કરનારા લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. 
 
GVK EMRIનાં મેનેજરએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી રાજ્યમાં ફેલાઈ નહોતી ત્યારે ૧૦૪ હેલ્પલાઈન પર દરરોજના ૨૦૦૦ થી ૨૩૦૦ કોલ આવતા હતા. હવે કોરોનાને લીધે એ સંખ્યા વધીને ૧૫ હજાર થી ૧૭ હજાર જેટલી થઈ ગઈ છે. વચ્ચે થોડા સમય માટે તો આ કોલ્સનો આંક વધીને ૨૦ હજાર ઉપર પહોંચ્યો હતો. રાજ્ય સરકારની ૧૦૪ હેલ્પલાઇન ઉપર તા.૫ મી માર્ચથી તા.૧૪ મે ૨૦૨૦ સુધી કુલ ૭,૧૭,૮૫૧ કોલ આવ્યા છે જે પૈકી કોવિડ-૧૯ સંબંધિત ૧,૦૩,૮૧૫ કોલ આવ્યા છે. 
 
જેમાંથી કોરોનાનાં સંભવિત લક્ષણો ધરાવતા હોય એવા કોલ્સ ૭૬૧૩ જેટલા આવ્યા છે. હાલમાં પ્રતિ દિન એવરેજ કોવિડ-૧૯ સંબંધિત કોલ્સ ૧૫૦૦થી વધુ આવે છે. તેવી જ રીતે ૧૧૦૦ હેલ્પલાઇન ઉપર તા. ૩૦ મી માર્ચથી તા. ૧૪મી મે સુધી કુલ ૧૯,૬૫૪ કોલ આવ્યા છે જે પૈકી કોવિડ-૧૯ સંબંધિત ૧૯૩૧ કોલ આવ્યા છે. જેમાં ૩૩૧ને કાઉન્સિલિંગ અને ૪૪૯૩ને મેડિકલ એડ્વાઇઝ આપવામાં આવી છે.
 
૧૦૪ હેલ્પાઇનમાં કામ કરતાં કર્મચારીઓ પૈકી પ્રત્યેક કર્મચારી દરરોજના ૨૦૦ થી ૨૫૦ ફોનકોલ એટેન્ડ કરે છે. કોલમાં લોકો કોરોના વાઇરસનાં લક્ષણો વિશે પૂછે છે. ચેપ કેવી રીતે ફેલાય છે?, તકેદારી શું રાખવી જોઈએ જેવા સવાલો પૂછે છે અને અને હવે ડિપ્રેશનને કારણે હતાશ થઇ ગયેલા લોકોના પણ કોલ આવે છે. 
કોઈ બિમાર હોય અને ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દો એવી માગણી કરે તો તેવા કિસ્સામાં કોલરની વિગત મેળવવામાં આવે છે કે તેમને કઈ પ્રકારની તકલીફ છે? તેમની ટ્રાવેલ હિસ્ટ્રી શું છે? એ જાણવા પ્રયાસ કરી જરૂર જણાય તો તેમનું રજિસ્ટ્રેશન કરીને આરોગ્યવિભાગમાં એ વિગતો મોકલી આપવામાં આવે છે. 
 
કોઈ વ્યક્તિ દવા અંગે સૂચન માગે તો તેમને હેલ્પલાઈન નંબર ૧૧૦૦ પર કોલ કરવા સમજ આપવામાં આવે છે. ૧૧૦૦ એ ટેલિમેડિસિન, ટેલિકાઉન્સિલિંગ (પરામર્શ) તેમજ ટેલિએડવાઇઝ (સલાહ) હેલ્પલાઇન છે. નિષ્ણાંત ડૉક્ટરોની પૅનલ અહીં તેમને માર્ગદર્શન આપે છે. આ ૧૦૪ હેલ્પલાઇનનું મૂળ  કાર્ય આરોગ્યવિષયક જાણકારી આપવાનું છે. જરૂર જણાય તો દવાખાને જવા સલાહ આપવામાં આવે છે અને દવાની વિગત માગે તો તેમને ૧૧૦૦ ઉપર કોલ કરવા જણાવવામાં આવે છે.
 
૧૦૪ હેલ્પલાઈન ૨૪ કલાક ચાલુ રહે છે જ્યાં સમગ્ર ગુજરાતમાંથી ફોનકોલ આવે છે. કોઈ કોઈ કોલ ખૂબ લાંબા ચાલે છે તેમને માર્ગદર્શનની જરૂર હોય તો આપવામાં આવે છે. તેમને મેડિકલ ઇમરજન્સી જણાય તો એના માટે પણ મદદ કરી આપવામાં આવે છે. એટલું જ નહિ, કોલરને જવાબ આપવાની બાબતમાં સ્ટાફ દ્વારા ક્યારેય ઉતાવળ કરાતી નથી. કોલરને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી કોલ ચાલુ રહે છે.
 
૧૦૪ હેલ્પલાઇનમાં ૨૫૦ કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવે છે. સંપુર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ૬૦થી ૭૦ કર્મચારીઓ હેલ્પલાઇનમાં લોકોને ફોન પર જવાબ આપવા માટે બેઠા હોય છે. જેમા રાત્રે ૧૨વાગ્યા પછી કોલની સંખ્યા ઘટી જતી હોવાથી રાત્રે હેલ્પલાઇન ડેસ્ક પર કર્મચારીની સંખ્યા ઘટાડી દેવાય છે. સૌથી વધુ ફોનકોલ સવારે ૯ થી બપોરે ૧ દરમિયાન આવે છે. બપોરે કોલનો પ્રવાહ ઓછો થઈ જાય છે. એ પછી સાંજે ૫ થી ૮વચ્ચે ફરી કોલનો પ્રવાહ વધી જાય છે. કોલ તો સમગ્ર ગુજરાતમાંથી આવે છે, પરંતુ મહત્તમ કોલ અમદાવાદમાંથી આવે છે. ઉપરાંત રાજકોટ, સુરત,વડોદરા જેવાં શહેરોમાંથી પણ કોલ મોટી સંખ્યામાં આવે છે. ૧૦૪ હેલ્પલાઇન સિંગલ પૉઇન્ટ ઑફ કૉન્ટેક્ટ છે.
 
૧૧૦૦ ફોન હેલ્પલાઇનમાં ડૉક્ટર દ્વારા સાયકોલૉજિકલ કાઉન્સિલિંગ આપવામાં આવે છે. ત્યાં હતાશા અને ચિંતા અંગે લોકો કોલ કરે છે અને ડૉક્ટર તેમને માર્ગદર્શન આપે છે. ૧૧૦૦નંબરની ફોન હેલ્પલાઇન રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ડિપ્રેશનનો ભોગ બનેલા વ્યક્તિઓ ઉપરાંત આઇસોલેશન કે હૉમ ક્વોરૅન્ટીનમાં રહેલા લોકો માટે શરૂ કરવામાં આવી છે. જેમાં એમબીબીએસ, એમડી, સાયકિયાટ્રીસ્ટ, ક્લિનિકલ સાયકોલૉજિસ્ટ, ફિઝિશિયન વગેરે નિષ્ણાંતો ટેલિકાઉન્સિલિંગ અને ટેલિએડવાઇઝ (સલાહ) આપે છે. ૧૦૪નંબર હેલ્પલાઇન પર વ્યક્તિ પોતાનાં લક્ષણોની વિગતો પૂરી પાડે ત્યારે એમાંથી જરુર જણાય તેવી વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ લઈને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સારવાર પણ પૂરી પાડે છે.

સંબંધિત સમાચાર

Next Article