ધોરાજીમાં આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા 10 પોલીસકર્મીઓ ક્વોરન્ટીન
શનિવાર, 16 મે 2020 (12:45 IST)
ધોરાજીના નડીયા કોલોની વિસ્તારમાં રહેતા 43 વર્ષના યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે. ધોરાજીમાં કોરોના પોઝિટિવ આવેલો દર્દી આરોપી છે. રાજકોટ શહેર બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે ઉપલેટામાં મુંબઇથી પરત આવેલા યુવાનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે ધોરાજી ખાતે આરોગ્ય વિભાગની ટીમ પર હુમલો કરનાર કાસમ દલ નામના આરોપીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આજે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા શહેરમાં 74 અને ગ્રામ્ય ના 7 મળી કુલ કોરોના પોઝિટિવ આંક 81 પર પહોંચ્યો છે. ધોરાજી ખાતે કોરોના પોઝિટિવ જાહેર થયેલા 43 વર્ષીય કાસમ દલ એ થોડા દિવસ પહેલા આરોગ્ય વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો. જેને લઇ તેના વિરુદ્ધ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી, જેને પાસા હેઠળ ધકેલતા પહેલા કોરોના રિપોર્ટ કરાવતા આજે તેનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે, જેને લઇને પોલીસ વિભાગમાં પણ ચિંતા જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ રાજકોટ LCBના 4 જેટલા જવાનો, ધોરાજી પોલીસ જવાન અને GRDના જવાનો સહિત 10 જેટલા સુરક્ષાકર્મીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.