વેપાર ઉદ્યોગ ધંધાની સાથે સરકારી કચેરીઓ પણ પૂર્વવત થશે

શનિવાર, 16 મે 2020 (11:56 IST)
ગુજરાતમાં અમદાવાદ સહિત ગુજરાતમાં સોમવારથી લોકડાઉન-4 શરૂ થઈ રહ્યું છે ત્યારે લોકડાઉન હળવું કરવાની સાથે કામ ધંધા રોજગાર શરૂ થવાના છે, જેમાં સરકારના વિવિધ કોન્ટ્રાક્ટના કામો પણ શરૂ થશે, પણ તેની સાથે રાજ્યના મંત્રીઓને પણ ઘરની બહાર નીકળી પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી શકે છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજય સરકાર હવે લોકડાઉનમાં મોટી રાહત આપવાની તૈયારીમાં છે અને સાથોસાથ કોરોના પર પણ તેવો જ અંકુશમાં રાખશે. તેમાં પણ અમદાવાદની સ્થિતિ રાજ્ય સરકાર વણસવા દેવા માંગતી નથી. તેવામાં એક વિશાળ વર્ગની રોજી રોટી જે ઠપ્પ છે તે ફરી શરૂ થાય તે માટે આગળ વધી રહી છે. સરકારના તમામ માર્ગ બાંધકામના કોન્ટ્રાકટમાં જે મોટા પ્રોજેક્ટ છે તે ફરી શરૂ કરવાની સૂચના અપાઈ છે અને ઉદ્યોગોને પણ કામકાજના માટે મંજુરી અપાઈ છે. સરકારનું એવું માનવું છે કે, એક વખત ઉદ્યોગો મોટા પ્રોજેક્ટ શરૂ થશે તો હાલ જે શ્રમિકો તેમના વતન જવા માટે દબાણ લાવી રહ્યા છે તે પણ ફરી રોજી રોટી માટે રાજ્યમાં સ્થાયી થઈ જશે. અમદાવાદમાં પણ રેડઝોન સિવાયના પાંચ ઝોનમાં શાકભાજીની જથ્થાબંધ હરાજી માટે મંજુરી આપી છે. સુરત-વડોદરા પણ આવી જ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. ટોચના સત્રોના જણાવ્યા મુજબ સરકારી કચેરીઓ પણ તબક્કાવાર પુરી સંખ્યાથી શરૂ કરવા માટે તમામ વિભાગોને જણાવ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રાખીને આગળ વધાશે. તો આવતા સપ્તાહથી મંત્રીઓને પણ ગાંધીનગરમાં તેના કામકાજ સપ્તાહમાં ત્રણ દિવસ ચાલુ કરવા બાકીના ત્રણ દિવસ તેમના મતક્ષેત્ર અને પ્રભારી તરીકે જે જિલ્લા સોંપાયા હોય તેનો પ્રવાસ પણ જણાવ્યું છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર