ભૂપેન્દ્રસિંહનું ધારાસભ્યપદ પણ બચી ગયું, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મુક્યો

શુક્રવાર, 15 મે 2020 (15:39 IST)
રાજ્યના કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે. જેને પગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આજે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મુકી દીધો છે.સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળતા હવે ભૂપેન્દ્રસિંહનું ધારાસભ્યપદ પણ હાલ પુરતું બચી ગયું છે અને અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓ ધારાસભ્ય પદે રહી શકશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે ભૂપેન્દ્રસિંહ ચુડસમા અને મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ પણ કર્યું છે.વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાને 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરાયા હતા. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હોવાનો વિવાદ ઊભો થયો હતો. આથી અશ્વિન રાઠોડે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જોકે તેને બાજુએ મૂકીને ઇવીએમની ગણતરી કરી દેવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરવામાં આવી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર