NSUIના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલા હુમલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ

Webdunia
ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (11:01 IST)
NSUIના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન માટે મંજૂરી લેવામાં આવી ન હતી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ હથિયારો સાથે ABVPના કાર્યાલય પર ઘેરાવો કરવા આવેલા NSUIના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન માટે મંજૂરી લેવામાં આવી ન હતી
 
અમદાવાદના પાલડી ખાતે આવેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ - ABVPના કાર્યાલય પાસે NSUIના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે NSUI ના કાર્યકરો ABVP ના કાર્યાલાય પર ઘેરાવો કરવા જઇ રહ્યા હતા ત્યારે તેમની પાસે હથિયારો હતા.
 
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, NSUI અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પાલડી ખાતે આવેલ ABVPના કાર્યાલય પાસે પહોંચી કાર્યાલયને ઘેરાવો, દેખાવો, જેવી પ્રવૃત્તિઓ આચરવામાં આવી હતી. NSUIના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન માટે કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી જે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. આ વિરોધ પ્રદર્શન દરમ્યાન NSUI અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ABVPના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાલડી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના જવાનોએ તાત્કાલીક સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. 
 
આ સંદર્ભે પોલીસે સરકાર તરફથી ફરીયાદી બની પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નિવેદનો લઇને સંડોવાયેલા આરોપીઓની શોધખોળ કરવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ઘટના અંગે તલસ્પર્શી તપાસ થાય અને કોઇ ગુનેગાર છુટી ન જાય તે હેતુસર આ ઘટનાની તપાસ આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
 
જ્યારથી દેશમાં એક પછી એક NRC, CAA અને  કલમ-370ની નાબુદી સહિતના રાષ્ટ્રવાદી નિર્ણયો લેવાઇ રહ્યા છે ત્યારે આ નિર્ણયો લઘુમતી સમાજના હિતમાં હોવા છતાં તેમના વિરોધમાં હોવાનો મેસેજ પહોંચાડી કોંગ્રેસ દ્વારા લઘુમતી સમાજોને ગુમરાહ કરવા આ પ્રકારના હુમલાઓ કરી રાજ્યની શાંતી ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પહેલા ગાંધીનગર ખાતે યોજાયેલી કોંગ્રેસની રેલી દરમ્યાન પોલીસ વાન પર તોડફોડ કરી, ત્યાર બાદ શાહ આલમમાં કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકરો દ્વારા પોલીસ પર હુમલા કર્યા અને હવે NSUI અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ABVP ના કાર્યાલય પર હુમલો કર્યો જે સ્પષ્ટ દર્શાવે છે કે કોંગ્રેસ રાજ્યને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહી છે.
 
ABVPના કાર્યાલય ઉપર જઇને આવો હુમલો કરવાનો હેતુ, આ ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલ છે સહિતની ઊંડાણપૂર્વકની તપાસ કરીને સંડોવાયેલા તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે. જેમાં સી.સી.ટી.વી. ફૂટેજ આધારે આ ઘટનામાં સંડોવાયેલા તમામ હુમલાખોરો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article