સીટબેલ્ટનો મેમો 6500 કે 2500? ભુજમાં દંડ ભરાવાની રીત રાજયની તમામ RTOથી અલગ

બુધવાર, 8 જાન્યુઆરી 2020 (12:30 IST)
રાજય સરકાર દ્વારા રાજયની તમામ ચેકપોસ્ટ નાબુદ કરી દીધા બાદ ટુકડીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. સીટબેલ્ટનો મેમો સુરતમાં મળ્યો તે મેમો અરજદાર ભુજમાં ભરવા આવતા મેમોમાં લખેલા 500થી વધારે દંડ ભરવાનો વારો આવતા અરજદારે કમીશ્નરને મેલ કરી ફરીયાદ કરી હતી જેથી કમીશ્નરે આરટીઓ અને કલાર્કનો ઉધડો લઇ ખુલાસો કરવા કહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આંતરીક વર્તુળમાંથી જાણવા મળતી વિગતો મુજબ, 22-12-2019ના જીજે 1 એટી 8021ના વાહન માલિકને સુરતમાં ટુકડીએ ચેકિંગ કરી હતી. ગાડીના તમામ કાગળો ચાલુ હતા અને સીટબેલ્ટ બાંધેલ ન હોવાથી આરટીઓની ટુકડીએ સીટબેલ્ટનો 500 રૂપીયાનો મેમો ફટકાર્યો હતો. વાહન માલિક આરટીઓમાં મેમો ભરવા માટે આવ્યા ત્યારે તેમને સૌપ્રથમ તો મેમો સુરતથી ભુજ મુવ કરાવી આવો તેવું કહેવાયું હતું જેથી ડ્રાઇવર સુરત કયાં મુવ કરાવવા જાય ? તેવું કહી દસેક મિનિટ સુધી રકઝક કરતા થોડીક જ વારમાં મેમો ભુજની આરટીઓમાં મુવ થઇ ગયો હતો. મેમો મુવ થઇ ગયા બાદ તેને ડીએ બ્રાન્ચના કલાર્ક સંજયસિંહ જાડેજાએ 6500 રૂપીયા દંડ ભરવું પડશે તેવું કહ્યું હતું જેથી તેણે કમીશ્નરને મેલ કર્યો, મેલ થયો હોવાના સમાચાર મળતા જ 2500 રૂપીયા દંડ ભરી નાખો તેવું કહેવાયું હતું. જો કે 500 રૂપીયાના મેમોના 6500 અને 2500 શા માટે ? તેવો સવાલ કરતા અંતે તેને 1500 રૂપીયા દંડ ભરાવાયો હતો. આ અંગે ડીએ બ્રાન્ચના હેડકર્લાકની ગેરસમજ હોવાનું આરટીઓ સી. ડી. પટેલે કહ્યું હતું. અરજદારે મેલ કરી ફરીયાદ કરતા ભુજ આરટીઓને મેલ ઉતર્યો હતો અને 500ના બદલે 6500 અને 2500 શા માટે દંડ વસુલાય છે ? તેમ ઉધડો લઇ ખુલાસો કરવા કહ્યું હતું. વાહન માલિકને સીટબેલ્ટના મળેલા મેમોમાં 500 રૂપીયાનો ઉલ્લેખ કરાયેલો હતો. જે મેમો ભુજ આરટીઓમાં ભરવા માટે આવ્યા ત્યારે તેને આરસીબુક, વીમો, પીયુસી, પરમીટ, પાસીંગ સહિતના કાગળોનો ભારેખમ દંડ ભરવા જણાવાયું હતું. જો કે આ તમામ કાગળો પણ ચાલુમાં જ હતા. તો અરજદારને 6500 રૂપીયા ભરવા કહેવાયું. જેથી અરજદાર આરટીઓ સી. ડી. પટેલ પાસે જઇ રજૂઆત કરતા ડીએ બ્રાન્ચના કલાર્કે 2500 રુપીયા ભરી નાખો તેવું કહ્યું હતું. મેમોમાં લખેલા 500 રૂપીયાને ગણકારવાને બદલે 2500ની ધુન ચાલુ રાખી અને અંતે કમીશ્નરને મેલ કરવો પડયો. તોય પણ 1500 રૂપીયા દંડ ભરાવાયું. ભુજ ઓફીસે છેલ્લા કેટલાક સમયથી મનસુબી મુજબ દંડ વસુલાતો હોવાનો સુર વ્યકત થયો હતો. રાજકોટ, અમદાવાદ, ગોધરા સહિત અનેક જિલ્લાની આરટીઓમાં દંડ વસુલવાની રીત અલગ છે જયારે ભુજ આરટીઓમાં દંડ પોતાની મનસુબી મુજબ ભરાવાય છે. મેમો જૂનો હોય તો કાગળોનો દંડ પણ મનસુબી મુજબ વસુલાય છે પછી ભલેને વાહનના કાગળો ચાલુમાં હોય. ‘અમે તો આટલું જ દંડ ભરાવીએ છીએ’ તેવો ડાયલોગ આપી અનેક વાહન માલિકો પાસે ભારે દંડ ભરાવાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર