સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં નવજાતથી લઇને 5 વર્ષની ઉંમરના 600 થી વધુ બાળકો મોતને ભેટ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. પાલિકાના જન્મ મરણ વિભાગ પાસેથી આરટીઆઈ દ્વારા માગવામાં આવેલી માહિતીથી આ ઘટસ્ફોટ થયો છે. નવી સિવિલમાં મૃત્યુ પામેલા આ બાળકોમાંથી મોટાભાગના નવજાત બાળકો છે.
એક આરટીઆઈ એક્ટીવિસ્ટ દ્વારા પાલિકાના જન્મ મરણ વિભાગ પાસેથી સરકારી, અર્ધસરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1 થી 5 વર્ષના બાળકોના મોત અંગે માહિતી માગવામાં આવી હતી, જેમાં પાલિકાએ આપેલી માહિતી મુજબ, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 1થી 5 વર્ષની વયના 630થી વધુ બાળકોનાં મોત થયા છે. આનાથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે પાલિકા સંચાલિત સ્મીમેર, મસ્કતિ હોસ્પિટલમાં કેટલા બાળકોના મોત નિપજ્યા તે માહિતી પાલિકાએ આપી નથી. આરટીઆઈ હેઠળ અપાયેલી માહિતીમાં મસ્કતિ હોસ્પિટલના આંકડા નીલ હોવાનું તેમજ સ્મીમેરમાં કેટલા બાળકોનાં મોત થયા તે બાબતે કોઈ માહિતી નથી. નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતમાંથી સર્ગભાઓ સારવાર માટે આવે છે. તેમને આયર્નની ટેબલેટ આપવાની હોય, સગર્ભાઓને આ સમયગાળા દરમિયાન શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ વગેરે જેવી સમજ આપવાની હોય છે. સમયાંતરે ગર્ભનો ઉછેર યોગ્ય રીતે થાય છે કે કેમ તેની ચકાસણી માટે સોનોગ્રાફી કરવાની હોય છે. આ બધી જ બાબતોનું યોગ્ય ધ્યાન રાખીને બાળક શિશુમૃત્યુ દર નીચો લાવી શકાય છે. પરંતુ સિવિલમાં સર્ગભાઓનો યોગ્ય રીતે સારવાર ન મળતી હોવાથી બાળકોનો મૃત્યુદર વધે છે. ઘટનાની તપાસ માટે સરકારે તબીબી શિક્ષણ વિભાગના નાયબ નિયામક ડૉ. રાઘવ કે. દિક્ષિતની અધ્યક્ષતામાં સમિતિ રચી છે. સમિતિએ રવિવારે હૉસ્પિટલની મુલાકાત લઈને તપાસ શરૂ કરી દીધી છે.