કાયદા અને ફરજથી ઉપર રહીને પોલીસે એક અનોખું કાર્ય કર્યું છે. વડોદરામાં 8 વર્ષના માસૂમ બાળકને પોલીસ સ્ટેશનમાં આશરો આપ્યો છે. આ બાળક કોઇ ગુનામાં નહીં પરંતુ માતાની હત્યાના ગુનામાં પિતાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકની જવાબદારી ઉઠાવવા કોઇ સગા સંબંધીઓએ તૈયાર નથી. આ કારણે બાળકની તમામ જવાબદારીઓ પોલીસે ઉઠાવી છે.
વડોદરાના ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશન પાસે રહેતી કંકુ દેવીપૂજકની 22 જાન્યુઆરી 2018ના રોજ હત્યા કરી હતી. જેના ગુનામાં પતિ ભરત દેવીપૂજકની પોલીસે ધરપકડ કરી છે. કંકુ અને ભરતનો એક 8 વર્ષનો દિકરો પણ છે. જ્યારે હત્યાના ગુનામાં પિતાની ધરપકડ બાદ 8 વર્ષોનો ભાવેશ નિરાધાર બન્યો હતો. ત્યારે આ નોધારા બનેલા બાળકને રાખવા ફોઇએ સાફ ઇન્કાર કર્યો. તો બીજી તરફ મહેસાણામાં રહેતાં ભાવેશના નાના-નાની આર્થિક રીતે સક્ષમ ના હોવાથી બાળકના ઉછેરની જવાબદારી પોલીસે ઉપાડી લીધી છે.
હાલ આ બાળકને એસીપી ઇ-ડિવિઝન એસ.જી. પાટિલની ઓફિસમાં 2 દિવસથી આશરો અપાયો છે. એસીપીની ઓફિસની સામે જ બાળકને રૂમ ફાળવી દેવાયો છે. તેને પલંગ અને ગાદલાથી સજ્જ કરી દેવાયો છે. મહિલા પોલીસ કર્મી નોટ-ચોપડા લઇ તેનું ટ્યુશન લઇ રહ્યાં છે, જ્યારે અન્ય ખાખીધારીઓ બાળક સાથે રમત સાથે પલાખાં પણ કરી રહ્યા છે. બાળકને જમવા માટે સવાર-સાંજ ટિફિનની વ્યવસ્થા કરી દેવાઇ છે. તો આગામી દિવસોમાં બાળકોની હોસ્ટેલમાં મોકલી આપવામાં આવશે. અહેવાલો મુજબ ભાવેશ દેવીપૂજક જ્યાં સુધી પુખ્ત નહીં થાય ત્યાં સુધી તેની સાર સંભાળનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી પોલીસે લીધી છે.