રાજ્યના હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઓડીશા અને બંગાળ પર દરિયામાં બનેલું લો પ્રેશર હાલ આગળ વધી રહ્યું છે. જેને પગલે આગામી 14 અને 15 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ નદી-નાળાઓ છલકાયા હોવાથી જો ફરી ભારે વરસાદ પડશે તો રાજ્યમાં પૂરનું સંકટ ઉભું થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે. આગામી 3 દિવસ દરમ્યાન માછીમારો ને દરિયો ના ખેડવા સૂચના આપવામા આવી છે. 47 તાલુકાઓમાં 40 ઈંચ, 93 તાલુકાઓમાં 20થી 40 ઈંચ, 100 તાલુકાઓમાં 10થી 20 ઈંચ અને 11 તાલુકાઓમાં 5થી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ 48 ટકા વધુ વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.ગત વર્ષે 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 462 મિમી વરસાદ પડ્યો હતો જેની સામે આ વર્ષે 685 મિમી વરસાદ પડી ચૂક્યો છે. આજદિન સુધીમાં સરેરાશ 84 ટકા વરસાદ પડતા રાજ્યના 8 જેટલા ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.