રાજકોટના ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નર્મદા પાણી પૂરૂ પાડતી જીડબલ્યુઆઇએલની મુખ્ય લાઇન પર શટડાઉન હોવાથી શહેરાના ત્રણ વોર્ડ 1,2 અને 9 પર પાણીકાપ મુકવામાં આવ્યો છે. જ્યારે કોર્પોરેટર મનસુખ કાલરીયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા વોર્ડ નં.15 પર પાણીકાપ રદ કરવામાં આવ્યો હતો. જ્યારે પાણી સમસ્યાને લઇને રાજકોટમાં આજે બપોર બાદ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં બેઠક યોજાનર છે. તો ધોરાજીમાં પાણી સમસ્યા હલ નહીં થાય તો કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કાલથી પ્રાતં કચેરીમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી આપી છે.ધોરાજી સહિતના વિસ્તારની પાણી સમસ્યા મામલે ધારાસભ્ય લલીત વસોયાએ નાયબ કલેક્ટરને કરી હતી. રજૂઆતપત્રમાં જણાવ્યું છે કે, ધોરાજી, માણાવદર અને કુતિયાણા તાલુકાના 60 જેટલા ગામોમાં ભાદર-2 આધારિત જોતી યોજનામાંથી પીવા માટે પાણી આપવામાં આવી રહ્યું છે.
જે જેતપુર ડાઈંગ અને પ્રિન્ટિંગના યુનિટોનું કલર અને કેમિકલયુક્ત પાણી છે જે પાણી પીવાલાયક નથી તેવું પાણી તંત્ર દ્વારા માનવતા નેવે મૂકી આપવામાં આવી રહ્યું છે. જેતપુર, ધોરાજી, ઉપલેટાને પીવા માટે નર્મદાનું પાણી કરોડોના ખર્ચે બલ્ક યોજના અંતર્ગત આપવાનું નક્કી થયું હતું. આ યોજના ઘણા સમયથી પૂર્ણ થઈ ગઈ હોય તેમ છતાં લોકોને હેરાન કરવાના ઇરાદાથી ભાદર-2 ડેમનું પ્રદૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે. જો આગામી 24 કલાકમાં આ બલ્ક યોજના દ્વારા નર્મદાનું પાણી નહીં અપાઈ તો રવિવારથી પ્રાંત કચેરી ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી અપાઈ છે.