માછીમારો દરિયો ખેડવા જાય અને જો બોટ ગુમ થાય કે બોટનો સંપર્ક ન થાય તો બોટ માલિકે સંબધિત સરકારી એજન્સીને જાણ કરવી ફરજિયાત છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા ચોરવાડ, માંગરોળ મરીન, શીલ ખાતેથી વહાણ-બોટો દરિયામાં માછીમારી માટે જાય છે અને મોટાભાગની વસ્તી માછીમારીના ધંધા સાથે સંકળાયેલી છે. સૂૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિયમ માછીમારોની સલામતી માટે બનાવવામાં આવ્યો છે. આ અગાઉ, તા. ૨૯-૧૧-૧૩નાં રોજ મુંદ્રા બંદરેથી નૈશાદ ઈશા થૈમ તથા જુસબ સુલેમાન જાફરાબાદીની માલિકીનું વહાણ સલાલા ઓમાન જવા ખાંડનો જથ્થો ભરીને ૧૨ ક્રૂ મેમ્બરો સહિત રવાના થયેલ હતુ. મુંદ્રા બંદરેથી નીકળ્યા બાદ તા. ૨-૧-૧૪ ના રોજ વહાણનું સોમાલિયાના ચાંચિયાઓએ અપહરણ કર્યું હતું, પરંતુ આ વહાણ ગુમ થવા સંબંધે તેના માલિકે કોઇ એજન્સીને કે સરકારી તંત્રને જાણ કરી નહોતી.
આ એક રાષ્ટ્રીય સલામતીને સ્પર્શતી ગંભીર ઘટના છે. વહાણ ગુમ થયું હોય તે સમયગાળા દરમ્યાન વહાણ કે વહાણનાં ક્રૂ મેમ્બરનો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થાય તે બાબત નકારી શકાય નહીં. આવી ઘટનાઓ અટકી શકે તે માટે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આવેલ વહાણ-બોટ માલિકે જ્યારે પોતાનું વહાણ કે બોટ વાતાવરણીય કારણોસર કે ચાંચિયાઓ દ્વારા અપહરણ થવાનાં કારણોસર કે અન્ય કોઇપણ કારણોસર વહાણ-બોટ ગુમ થાય કે વહાણ-બોટ સાથેનો તેના માલિકનો સંપર્ક નિશ્ર્ચિત સમયગાળા બાદ ના થતો હોય તો તે બાબતોની જાણ સંબંધિત તમામ સરકારી એજન્સીને ફરજિયાત કરવાની રહેશે. જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.વી.અંતાણીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ના નં-૨) ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ તા. ૯મી જૂનથી ૬૦ દિવસ સુધી અમલી બને તેમ આદેશ ફરમાવ્યો છે.