પાસ નેતા હાર્દિક પટેલે ભાવનગરના મેથળા ખાતે ગુજરાતની ભાજપ સરકારના પતન અંગે નિવેદન કરતાં રાજકારણ ગરમાયું છે. નીતિન પટેલ સહિત કેટલાક નેતાઓ ભાજપથી નારાજ હોવાનો ઉલ્લેખ કરાતાં મામલો ચર્ચાએ ચડ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર ભાવનગરના મેથળા ખાતે નિવેદન કરતાં હાર્દિક પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં સરકારે કમૂરતામાં શપથ લીધા છે, સરકારનું પતન થવાની તૈયારીમાં છે. નીતિન પટેલ, પરૂષોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા અને સી કે રાઉલજી સહિતના નેતાઓ નારાજ છે.
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, હાર્દિકે સમાજના ન્યાય માટે, ખેડૂતો માટે જન આંદોલન કરે છે. યુવા નેતા છે. આ સરકાર જનવિરોધી છે. ભાજપ દલિત વિરોધી, યુવા વિરોધી અને જનતા વિરોધી છે. હું માનુ છું કે ખેડૂત વિરોધી પ્રજા વિરોધી નીતિઓને કારણે ભાજપમાં પણ આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પૂર્વ પાસ કન્વિનર દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, હાર્દિકનું નિવેદન રાજકીય પ્રેરિત છે. મીડિયામાં રહેવા માટે આવું કહેવાયું હોવાનું લાગી રહ્યું છે. ભારતીય જનતાની પાર્ટીને પાડી દેવાની નીતિનો જ એક ભાગ હોવાનું લાગી રહ્યું છે. નીતિનભાઇ નારાજ છે પરંતુ હાલમાં એવું કંઇ જણાતું નથી.