જળસંચયના બહાને ભાજપ સરકારે હજારો બોરીબંધ બનાવ્યાં પણ આજેય એકેય બોરીબંધ હયાત નથી.આ જ સરકારે ચાર વર્ષમાં 4.16 લાખ બોરીબંધ બાંધી રૂ. 400 કરોડની ખાયકી કરી છે. એટલું જ નહીં, હજારો ખેત તલાવડી, સીમતલાવડી ય માત્ર કાગળ પર બની છે. આનુય લાખો રુપિયાનું કૌભાંડ આચરાયુ છે. ભાજપ સરકાર માટીખાઉ સરકાર છે તેવો વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે.તેમણે સમગ્ર બોરીબંધ,સીમ તલાવડી,ખેત તલાવડી કૌભાંડની તપાસની માંગ કરી છે.
મનરેગા યોજનામાં બોરીબંધ એ કાયમી સ્ટ્રકચર તરીકે સ્વિકારાયુ નથી તેમ છતાંય ભાજપ સરકારે લાખો બોરીબંધ બાંધીને બારોબાર નાણાં વાપર્યા છે. વર્ષ 2006-07માં 7694,વર્ષ 2007-08માં ૩,2૩,80,વર્ષ 2008-09માં 1,11,720 જયારે વર્ષ 2009-10માં 2,64,652 બોરીબંધ બાંધવામાં આવ્યા હતાં. ધાનાણીએ એવો આક્ષેપ કર્યો છેકે,એક બોરીબંધ બાંધવા માટે સરકારે રૂ.724થી માંડીને રૂ.20175 સુધીનો ખર્ચ કર્યો છે. વર્ષ 2009માં બોરીબંધ અંગે કરાયેલાં એક સર્વેમાં એવી વિગતો બહાર આવી છેકે,85 ટકા બોરીબંધ ડેમેજ અવસ્થામાં છે. આજે એકેય બોરીબંધ હયાત નથી. માત્ર ફુટેલી તુટેલી કોથળીઓ પર સ્થળ પર પડી છે. આમ, સરકારે બોરીબંધના નામે રૂ. 400 કરોડનુ કૌભાંડ કર્યુ છે. આ સરકાર માટીખાઉ સરકાર છે. ગ્રામવિકાસ વિભાગ,રાજ્ય વન વિભાગ,કૃષિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગે પણ 1.25 લાખ જેટલાં બોરીબંધ બાંધ્યા છે. માત્ર બોરીબંધ જ નહીં, રાજ્યમાં ખેતતલાવડી અને સીમ તલાવડીમાં ય લાખો રુપિયાનુ કૌભાંડ થયુ છે. આ ખેત તલાવડી અને સીમ તલાવડી આજે માત્ર કાગળ પર છે. તલાવડીમાં માત્ર ખાડા કરીને મળતિયાઓના બિલ પાસ કરી દેવાયા છે. જળસંચયના નામે માત્ર સરકાર ત્રાગુ રચી રહી છે. વિધાનસભા વિપક્ષના નેતાએ બોરીબંધ,સીમ તલાવડી,ખેત તલાવડીના પ્રકરણમાં તપાસ કરાવવા માંગ કરી છે.