પાંડસેરા વિસ્તારમાં મૃત હાલતમાં મળી આવેલી બાળકીના મામલામાં હજુ સુધી પોલીસ બાળકીની ઓળખ અને ઓરાપીઓ સુધી પહોંચી શકતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે, બાળકી બહારની હોવાનું અનુમાન છે. બાળકીની ઓળખ માટે 1200થી વધુ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અને પોલીસ દ્વારા બાળકી અંગે માહિતી આપનારને 20 હજારના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે પોલીસની 100થી વધુ જવાનોની ટીમોએ આસપાસના વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું છે.
બાળકીની ઓળખ માટે તેની તસવીર અને લખાણ સાથે 100થી વધુ પોલીસ જવાનનો કાફલો પાંડેસરા, સચિન, સચિન જીઆઇડીસી, વદોડ ગામ, વિસ્તારોમાં ઘર ઘર કોમ્બિનગ શરૂ કર્યું છે. જેમાં એક એક વ્યક્તિને બાળકી અંગે પુછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ બાળકીને કોઈએ કોઈની સાથે જોઈ હતી કે કેમ તે અંગે બાળકોથી માંડિને ગૃહિણી વૃધ્ધોને પુછવામાં આવી રહ્યું છે. છઠ્ઠી એપ્રિલે પાંડેસરાના જીઆવ-બુડિયા રોડ પરની અવાવરું જગ્યાએથી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બાળકી પર બળાત્કાર ગુજારાયા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું હતું. આજ દિન સુધી તેની ઓળખ પણ થઇ શકી નથી. જેને લઈને લોકોમાં રોષ જેવા મળી રહ્યો છે. જેથી પોલીસને પણ એક્શનમાં આવવાની ફરજ પડી છે. પોલીસ કમિશનર સતિષ શર્માએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અને સુરત ક્રાઈમ બ્રાંચ વિવિધ ટીમો બનાવી તપાસમાં જોડાઈ છે.પોલીસ કમિશનર સતિષ શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાંડેસરામાં 11 વર્ષની બાળકીની હત્યા કેસમાં 8 હજાર બાળકો સાથે સરખામણી કરવામાં આવી છે. બાળકીની ઓળખ માટે શહેરભરમાં 1200થી વધુ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. બાળકી ઓરિસ્સા અથવા બંગાળની હોવાની શક્યતા રહેલી છે.વધુમાં જણાવ્યું હતું કે, ઘટના સ્થળની તપાસ દરમિયાન કોઈ સંઘર્ષના નિશાન મળી આવ્યા નથી. જેથી બાળકીની હત્યા અન્ય જગ્યાએ કર્યા બાદ અહીં લાવવામાં આવી હોવાની શક્યતા રહેલી છે. જ્યારે આ બાળકીના મૃતદેહને રાત્રે 11થી સવારે 6:30 વાગ્યા સુધીમાં અહીં મૂકવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડી પાડી કડકમાં કડક સજા કરવામાં આવશે.