સુરતમાં નહેર છલકાતા રોડ પર નદી વહેવા લાગી, લોકો રોષે ભરાયાં

સોમવાર, 9 એપ્રિલ 2018 (13:11 IST)
ઉનાળામાં ગુજરાતના મોટાભાગમાં પાણીનો કકળાટ શમવાનુ નામ નથી લેતો, રાજ્યના ડેમ અને નદી નાળા પણ સુકાઈ ગયાં છે. ત્યારે અવારનવાર તંત્રની બેશરમી અને સરકારની બેદરકારીને કારણે પાણી વેડફાઈ રહ્યું છે. સુરતના પરવત પાટિયા ચાર રસ્તા નજીક નહેરના પાણી રોડ ઉપર ફરી વળતા સિંચાઈ વિભાગ અને પાલિકાના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. મધરાત્રિથી નહેરમાં પાણી છોડાતાની સાથે જ પર્વત પાટિયા નજીક નહેરમાં કચરાને કારણે નહેર ઉભરાઈ હોવાનું બહાર આવ્યું હતું.

જેને લઈ 5 કલાક સુધી નહેરના હજારો લીટર પાણી ચારેય બાજુ ફરી વળતા સર્જાયેલી નદીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.વિજય પાનસેરિયા એ જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી નહેરમાં કચરો જમા થઇ રહ્યો હતો. જેને સાફ કરવાની જવાબદારી સુરત પાલિકાની છે. આવા સંજોગોમાં સિંચાઈ વિભાગે મધરાતીથી નહેરમાં પાણી છોડતા પરવત પાટિયા નજીક નહેર છલકાઈ ગઈ હતી. 5 કલાક સુધી નહેરના પાણી ઉભરતા આખો વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો. લગભગ સવારે પાલિકાના અધિકારીઓને જાણ કરાતા દોડતા થઈ ગયા હતા. સિંચાઈ વિભાગ પણ નહેર છલકાઈ હોવાનું જાણી પરવત પાટિયા વિસ્તારમાં દોડી આવ્યા હતા. અને નહેરમાંથી કચરો બહાર કઢાવવા 2 જેસીબી મશીન તાત્કાલિક કામે લગાડ્યા હતા. વધુમાં ઉમેર્યું હતું કે, તંત્રની બેદરકારીથી પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થયો હોય એ વાતને નકારી શકાય નહીં. પાણીનો ભરાવો થવાના કારણે અર્ચના સ્કુલથી પર્વત પાટિયા જવાનો રોડ બંધ કરી દેવાની ફરજ પડી હતી. આ બેદરકારી બદલ ચોક્કસ પગલાં ભરવા જોઈએ. જ્યારે પાણીના વહેણના કારણે એક જેસીબી પણ ફસાઈ ગયું હતું. આ મામલે ભાજપના પદાધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, જવાબ આપવાથી દૂર રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર