Surat News - જાણો કેમ સુરતના પોલિસ કમિશ્નર સતિષ શર્માએ મીડિયા પર સકંજો લાદતો પરિપત્ર જાહેર કર્યો

બુધવાર, 4 એપ્રિલ 2018 (13:21 IST)
સુરતના પોલીસ કમિશનર સતિશ શર્માએ મીડિયા પર સકંજો લાદતો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં પોલીસની પરવાનગી વગર પોલીસ સ્ટેશનમાં કે ગુનાના સ્થળ પર ફોટોગ્રાફી વીડિયોગ્રાફી કરવા પર અંકુશ લાદવામાં આવ્યો છે. શર્માના પરિપત્રમાં જણાવાયું કે, તાજેતરમાં પોલીસ સ્ટેશનમાં જ્યારે આરોપીની ધરપકડ કરી અને લોકઅપમાં લઈ જતાં હતા ત્યારે મીડિયા કર્મીએ તે બાબતની વીડિયોગ્રાફી કરી હતી અને આ ઘટના ચેનલમાં દર્શાવવામાં આવી હતી. આ ઘટનાને લઈને મીડિયા કર્મીઓને પોલીસ મથકમાં કે ગુનાના સ્થળ પર કઈ રીતે અને કયા સંજોગોમાં પ્રવેશ આપવો તેની સૂચનાઓ અપાઈ છે.

હવેથી કોઈ પણ મીડિયા કર્મચારી પોલીસ ઈન્સપેક્ટર (પીઆઈ)ની પરવાનગી વગર પોલીસ સ્ટેશન, ગુનાના સ્થળ કે લોકઅપમાં વીડિયોગ્રાફી કે ફોટોગ્રાફી કરી શકાશે નહીં. ગુનાના સ્થળ પર પણ મીડિયા કર્મીઓ પર નિયંત્રણ રાખવા માટે પોલીસ કર્મીની પુરતી સંખ્યા રાખવામાં આવશે. તેઓ તપાસમાં વિઘ્ન ઊભું ન કરે તે પ્રમાણે જ ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરી શકાશે. આ પરિપત્ર લાદવામાં આવ્યાનું કારણ એવું પણ મનાય છે કે હાલમાં જ પોલીસે સુરતના બિઝનેસમેન વસંત ગજેરાની પોલીસ સ્ટેશનમાં સ્લેટ સાથેની તસવીર કોઈ રીતે વાયરલ થઈ ગઈ હતી જે તેનું કારણ છે. બીજી તરફ ખાસ બાબત એ પણ છે કે પ્રસારણ મંત્રીએ ખોટા સમાચાર આપવા પર પત્રકારની પરવાનગી રદ્દ કરવાની વાત રજુ કરી હતી જેને પણ બાદમાં વડાપ્રધાને રદ્દ કરાવ્યો હતો. તેવા સંજોગોમાં સુરત કમિશનરનો આ પરિપત્ર એક આશ્ચર્યનું કારણ બન્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર