વડોદરાના ગણપતપુરા ગામમાં તાજેતરમાં બુટલેગરો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. બુટલેગરો અને પોલીસના કારણે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 100 જેટલા બાળકોને પરિક્ષાથી વંચિત રહેવું પડશે. કારણ કે, પોલીસની ધરપકડથી બચવા લોકો ગામમાંથી હિજરત કરી ગયા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા નજીક આવેલા ગણપતપુરા ગામમાં તાજેતરમાં જિલ્લા પોલીસે દારૂના અડ્ડા ઉપર રેડ કરી હતી. પોલીસે રેડ કર્યા બાદ બીજા દિવસે બુટલેગર અને તેના સાગરીતોએ પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. જેના વળતા જવાબમાં પીએસઆઇએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ગામમાં ગણતરીની મહિલાઓને બાદ કરતા ગામમાં શાંતિ જેવો માહોલ પથરાયેલો છે. ગણપતુરા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં ધોરણ 1થી 6 સુધીની શાળા આવેલી છે. જ્યારે તેની બાજુમાં આવેલા દુમાડ ગામમાં ધોરણ-9 સુધીની શાળા આવેલી છે. બંને ગામની શાળામાં ગણપતપુરા ગામના 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આજથી પ્રાથમિક શાળાઓમાં પરિક્ષાઓ શરૂ થઇ રહી છે. પરંતુ ગણપતપુરા ગામના 100 જેટલા વિદ્યાર્થીઓને પરિક્ષાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. બુટલેગરો અને પોલીસના કારણે વિદ્યાર્થીઓને સજા ભોગવવાનો વખત આવ્યો છે. એ તો ઠીક ગામના કેટલાંક વિદ્યાર્થીઓ વડોદરાની કેટલીક ખાનગી શાળાઓમાં પણ અભ્યાસ કરે છે. ગામમાં સ્કૂલવાન પણ આવતી હતી. પરંતુ આ ઘટના બાદ સ્કૂલવાન પણ આવવાનું બંધ થઇ ગયું છે. આમ બુટલેગરો અને પોલીસના કારણે માસુમ વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર પડી રહી છે. વડોદરા જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, ગણપતપુરા ગામના જે આરોપીઓ છે, તેઓની જ અમારે ધરપકડ કરવાની છે. જે નિર્દોષ છે તે લોકોએ ડરવાની જરૂર નથી. પોલીસ રોજેરોજ ગામમાં જતી નથી. અમે કોઇને ગામમાં જતા રોક્યા પણ નથી.