સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઇને આજે દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં દલિત સમાજને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. દલિતોએ સુપ્રિમ કોર્ટના ચુકાદાની હોળી કરી હતી. બાદમાં રાજકોટ બંધ કરાવવા નીકળ્યા છે. દલિત સમાજની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો બંધના એલાનમાં જોડાયા છે. રાજકોટમાં તંગદીલી જેવો માહોલ જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલ ચોકમાં ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અને દલિતો વચ્ચે ઘર્ષણ થતા લોકોએ પોલીસ વાન પર હુમલો કરી કાચ ફોડી નાખ્યા હતા. તેમજ વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિત 10ની અટકાયત કરવામાં આવી છે.
દલિત સમાજ દ્વારા આજે ભારત બંધના એલાનને લઇને રાજકોટમાં ચોકે ચોકે પોલીસનો ચૂસ્ત બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ અને દલિતો વચ્ચે માથાકૂટ થતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં મહિલાઓ પણ મેદાને ઉતરી ચુકાદોનો વિરોધ કરી રહી છે.દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર દલિત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વલસાડ, નવસારી સહિત સુરતમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેને લઈને સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે એસસી-એસટીનો ખોટો દૂર ઉપયોગ થતો હોવાની વાત કરી હતી અને ત્યારપછી એમાં થોડા ફેરફાર કર્યા હતા. જેને લઈને દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને પગલે ભારતભરમાં દલિત સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વલસાડ અને નવસારીમાં દલિત સંગઠનો દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જ્યારે સુરતમાં દલિત સંગઠનો દ્વારા રિંગરોડ આંબેડકર પ્રતિમા પાસે એકઠાં થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. ભારતબંધના એલાનના પગલે સુરત પોલીસ દ્વારા પહેલાં જ સાવચેતીના પગલે ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.