પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ફરી એક વખત ધૂણી ધખાવી છે. જૂનાગઢ ખાતે સેવ યુથ સંમેલનને સંબોધતા હાર્દિકે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન થકી માત્ર પટેલોને જ નહી પણ અન્ય જાતિઓ અને જ્ઞાતિઓને પણ અનામતનો લાભ મળી રહેવાનો છે. બિન અનામત આયોગમાં પટેલ ઉપરાંત અન્ય જાતિઓને પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર અનામત આંદોલનમાં યુવાનો સાથ આપે તે જરૂરી છે. સભાને સંબોધતા હાર્દિકે કહ્યું કે રાજનેતા બનવા આવ્યો નથી પણ સમાજ સેવક બનવા આવ્યો છું. લોકોને શું આપી શકું તે મહત્વનું હોય છે.
પંજાબી હોટલ કે ઢાબામાં જાઓ તો ત્યાં માત્ર પંજાબી ખાવાનું જ મળશે. સાઉથ ઈન્ડીયન ડીશ નહી. આ સ્થિતિને બદલવી છે. પંજાબી ઢાબામાં સાઉથ ઈન્ડીયન પણ મળે અને ગુજરાતી થાળી પણ મળે. આવી જ રીતે સરકારે પણ લોકોને શું જોઈએ તે સમજવાની જરૂર છે. હાર્દિકે કહ્યું કે ભાજપ-કોંગ્રેસથી કોઈ લેવા દેવા નથી. યુવાનોને માત્ર રોજગારથી લેવા દેવા છે. જીએસટી ઘટે, મગફળીના પુરતા ભાવ મળે તેનાથી નિસ્બત છે. હવે હાર્દિકનું બધું ખુલ્લું થઈ ગયું છે. લોકોએ કપડામાં પણ જોયો અને કપડા વગર પણ જોયો છે. એટલે હવે એ લોકો શું ખુલ્લું કરવાના છે. કેટલાક લોકો કહે છે કે રાજકારણ કરવા આવ્યો છું તો કહેવા માંગું છું કે મારે હજુ ઘણું કામ કરવાનું છે. લોકોએ સીએમ બનાવવો હશે તો ચોક્કસપણે સીએમ બનીશ.હાર્દિકે પોતાની ભાવિ યોજના અંગે કહ્યું કે માર્ચ મહિનાથી સમગ્ર ગુજરાતમાં પદયાત્રા શરૂ કરવામાં આવશે. ગામડે-ગામડે જાજાગૃતિ લાવવામાં આવશે અને લોકોને થતાં અન્યાયની સામે અવાજ બુલંદ કરવામાં આવશે.