રાજકોટ શહેરના પેડક રોડ પર ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘૂસી કચરો ફેંકવાના મુદ્દે ધારાસભ્ય અરવિંદ રૈયાણીના ભાઇ સુરેશ અને ભુપત ભરવાડ સહિતના શખ્સોએ ધમાલ મચાવી હતી. ટ્રાન્સપોર્ટર પર ધોકા-પાઇપથી હુમલો કર્યા બાદ માથાભારે શખ્સે ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. રણછોડનગરમાં રહેતા અને પેડક રોડ પર બ્રહ્મક્ષત્રિય સમાજની વાડી પાસે ઉદય કાર્ગો તેમજ પટેલ એમ. વિઠ્ઠલદાસ નામે આંગડિયા પેઢી ધરાવતા પ્રકાશભાઇ મંગળભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઘારાસભ્ય અરવિંદ રૈયાણીના ભાઇ સુરેશ રૈયાણી, ભુપત ભરવાડ, શૈલેષ અને પાંચ અજાણ્યા શખ્સો હોવાનું કહ્યું હતું.
પ્રકાશભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેમના નાનાભાઇ પ્રદીપભાઇ પટેલ બુધવારે સાંજે કુવાડવા રોડ પર આઇસરના શોરૂમે ગયા હતા અને ત્યાંથી બંને ભાઇઓ અલગ-અલગ વાહનોમાં પોતાની ઓફિસે જવા નીકળ્યા હતા. પ્રદીપભાઇ દસેક મિનિટ પહેલા ઓફિસે પહોંચ્યા હતા, બાદમાં પ્રકાશભાઇ પહોંચ્યા ત્યારે તેમની ઓફિસે ઉપરોક્ત આરોપીઓ ધમાલ કરી રહ્યા હતા અને તેમના ભાઇ પ્રદીપભાઇને ધોકા-પાઇપથી ઢોરમાર માર્યો હતો. માથાભારે શખ્સોએ પ્રકાશભાઇને જોતા જ પ્રદીપને મૂકીને તેમના તરફ હલ્લો કર્યો હતો અને ભૂપત ભરવાડે પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા, જોકે ફાયરિંગમાં પ્રકાશભાઇનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા અેકઠા થઇ જતાં હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા પ્રદીપભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે શહેરમાં લૂંટ, હત્યા, દુષ્કર્મ અને ફાયરિંગ સહિતની ઘટનાઅો સામાન્ય બની રહી છે. ગત તા.6ના રાત્રે જેલમાંથી છૂટી જામનગર જઇ રહેલા ઇકબાલ ઉર્ફે ગટિયાની કાર પર જામનગરના જ રજાક સોપારી સહિતના ઇસમોએ ઘંટેશ્વર નજીક ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. એ ઘટનાના આરોપીઓની તા.14ને બુધવારે પોલીસ હજુ ધરપકડ કરી છે ત્યાં આજે જ ટ્રાન્સપોર્ટર બંધુ પર ભડાકા થતાં ચકચાર મચી હતી.