જખૌ પાસેથી 7 પાકિસ્તાની ઘૂસણખોરો બોટ સાથે કોસ્ટગાર્ડના હાથે ઝડપાયાં

બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (21:28 IST)
કચ્છનાં અખાતમાં જખૌ પાસેથી મંગળવારે ઈન્ડિયન કોસ્ટગાર્ડની ‘મીરાંબાઈ’ નામની ઈન્ટરસેપ્ટર બોટની મદદથી પાકિસ્તાનની ‘અલ હિલાલ’ નામની બોટને ભારતીય જળ વિસ્તારમાં ઘૂસી આવતાં ઝડપી લેવામાં આવી હતી. આ બોટમાં સવાર સાત પાકિસ્તાનીને પણ પકડીને જખૌ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ માછીમાર જેવા લાગતા ઘૂસણખોર પાકિસ્તાનીવાળી બોટ ભારતીય જળ વિસ્તારમાં ૧૬ નોટિકલ માઈલ એરિયામાં ઘૂસી આવી હતી.

દરમિયાન ભારતીય દરિયાની સિક્યોરિટીની જવાબદારી સંભાળી રહેલા કોસ્ટગાર્ડની નજરમાં આ નાપાક બોટ આવી ગઈ હતી. જેને પગલે ‘મીરાંબાઈ’ નામની ઈન્ટરસેપ્ટર બોટને પાકિસ્તાનની ‘અલ હિલાલ’ને આંતરીને પકડી લેવાની સૂચના આપવામાં આવી હતી. જખૌનાં દરિયામાં ચારેય બાજુથી ઘેરીને બોટને અટકાવી દેવામાં આવી હતી. ભારતીય તટરક્ષક દ્વારા ઘૂસણખોરોને ઝડપી લઈને જખૌ પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોંપી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે, જ્યારે પણ ભારત દ્વારા પાકિસ્તાનીઓને પકડી લેવામાં આવે છે ત્યારે પાકિસ્તાન દ્વારા એક-બે દિવસમાં જ બદલાની ભાવનાથી ભારતીય માછીમારો પોતાના એરિયામાં હોય તો પણ તેમની મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા પકડી લેવામાં આવતા હોય છે. જખૌનાં દરિયામાં જ્યારે સાત પાકિસ્તાનીઓને બોટ સાથે પકડી લેવામાં આવ્યા છે, ત્યારે આગામી દિવસોમાં પાક. પણ તેનું જૂનું અને જાણીતું કૃત્ય દોહરાવી શકે છે તેમ સુરક્ષા વ્યવસ્થાનાં જાણકારોએ જણાવ્યું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર