ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ બુધવારે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેતાન્યાહૂ એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો યોજશે. હજારોની માનવમેદની આ બંન્ને રાજકીય મહાનુભાવોને આવકારવા ઉમટી પડશે ત્યારે બીજી તરફ,અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ ઇઝરાયલ વડાપ્રધાન વિરૃધ્ધ દેખાવો કરવા તૈયારી કરી રહી છે. જમાતે ઇસ્લામી હિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નિતીની આકરી ટીકા કરી છે.
આ સંસ્થાના કાર્યકરો-હોદ્દેદારો ૧૭મીએ અમદાવાદના ખાનપુર સ્થિત કાર્યાલય ખાતે નેતાન્યાહૂ વિરૃધ્ધ બેનરો સાથે દેખાવો કરશે. સંસ્થાના જનરલ સેક્રેટરી પ્રોફેસર નિશાર અન્સારીએ જણાવ્યુકે, એક તરફ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદ મિટાવવા કરાર કરી રહ્યાં છે. બીજી તરફ, આ જ નેતાન્યાહૂ પેલેસ્ટાઇનના નિર્દોષ બાળકો-મહિલા પર જુલમ ગુજારે છે,નિર્દોષ મુસ્લિમોની હત્યા કરે છે. પાશવી અત્યાચાર ગુજારનારા ઇઝરાયલ સાથે નરેન્દ્ર મોદીની રાજકીય દોસ્તી કઇંક અલગ જ અણસાર આપે છે. નેતાન્યાહૂ ગો બેકના પ્લેકાર્ડ સાથે બપોરે ૧૨ વાગે ખાનપુરમાં દેખાવો કરવા આ સંસ્થાએ આયોજન કર્યુ છે.જોકે, જમાતે ઇસ્લામી હિંદે રોડ શો વખતે જ વિરોધ કરવા નક્કી કર્યુ હતું પણ શહેર પોલીસ સમક્ષ અરજી પણ કરી છે જેના પગલે દોડધામ મચી ગઇ છે.