નર્મદા મહોત્સવની વાસ્તવિકતા, ડેમ પાસેના ગામડાઓ પાણી વિહોણા

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (12:10 IST)
ગુજરાત સરકાર મોટા પાયે નર્મદા મહોત્સની ઉજવણી કરી રહી છે. હકીકત એ છે કે નર્મદા ડેમની આસપાસના ૯૧ ગામ એવા છે, જેને નર્મદા ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવતું નથી. તો વળી ૫૦થી વધુ બીજા એવા ગામો છે, જે નર્મદા ડેમમાં અબજો લીટર પાણી ભર્યું હોવા છતાં વાપરી શકતા નથી. કેમ કે સરકાર તેમને આપતી નથી. નર્મદા ડેમથી શરૃ કરીને ૯ કિલોમીટરના વિસ્તારમાં સરકારે સાવ જ પાણીબંધી કરી દીધી છે. અહીંના ગામવાસીઓએ વારંવાર અનેક રજૂઆતો કેન્દ્ર સરકાર સુધી કરી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ અને અત્યારે ગુજરાતની ઘરની કહી શકાય એવી સરકાર છે ત્યારે પણ અહીંના લોકોના પ્રશ્નો ઉકેલવામાં કોઈએ રસ લીધો નથી. પોતાના પ્રશ્નો વર્ણવતા સ્થાનિક ગામવાસીઓ કહે છે કે સરકારને જમીનની જરૃર હતી ત્યારે અમને અનેક વચનો આપ્યા હતા. પણ આજે અમે ગુજરાતના નાગરિકો જ ન હોઈએ એવી હાલત કરી દેવાઈ છે. સરદાર સરોવર બંધથી ૯ કિલોમીટર સુધીના વિસ્તારમાં ૯૧ ગામ આવેલા છે. શરૃઆતમાં સરકારે આ ગામોને પાણી મળે એટલા હેતુથી 'નર્મદા નો સોર્સ ગ્રામ્ય જૂથ પાણી પુરવઠા યોજના' અમલમાં મુકી હતી. પણ એ યોજના હજુ ફાઈલોમાં જ અટવાયેલી છે. નર્મદા ડેમ માટે સરકારે જમીન ખાલસા કરાવી ત્યારે અસરગ્રસ્તની વ્યાખ્યા વિવાદાસ્પદ રીતે કરી હતી. જે ગામો ડૂબમાં જાય તેને જ અસરગ્રસ્ત ગણવામાં આવ્યા છે. જ્યારે ડેમ આસપાસ અનેક ઓફિસો, મકાનો, સરકારી બાંધકામો થયા એ માટે ગામવાસીઓની જમીન લઈ લેવાઈ છે, પણ તેમને અસરગ્રસ્ત ગણવામાં આવતા નથી. એટલે તેમને કોઈ વળતર મળતું નથી. સદ્ભાગ્યે નર્મદા ડેમ આસપાસના ભૂતળમાં પાણી હોવાથી અહીં લોકો હેન્ડપંપ અને બહુ જરૃર પડે તો બોર કરાવીને પાણી મેળવી લે છે. પરંતુ નર્મદા ઉત્સવ દ્વારા કરોડો રૃપિયાનો ધૂમાડો કરવા જઈ રહેલી ગુજરાત સરકારે નર્મદા મૈયાના ખરેખર દીકરા કહી શકાય એવા લોકોનું પીવાનું પાણી પણ છિનવી લીધું છે. પાણીની રેલમછેલ હોવાની ગેરમાન્યતા ડેમને અડીને આવેલા ગામડાઓને પાણીની રેલમછેલ હશે,  હકીકત એ છે કે અહીંના ગામો પાણીના અભાવે વેરાન થઈ રહ્યાં છે. ગામમાં રહેલી ડંકીમાં આવે એ પાણી વાપરવાનું. ખેતી માટે પાણી મળે એવું તો અહીંના લોકો સદંતર ભુલી જ ગયા છે. ચોમાસા સિવાય નર્મદા કાંઠે આવેલા હેઠવાસના ગામોને પણ પાણી માટે ૩-૪ કિલોમીટર રખડવું પડે જ છે. કેનાલમાંથી કરોડો લિટર પાણી વહે છે, પરંતુ એ કેનાલનુ રક્ષણ કરવા કાંઠે સ્ટેટ રિઝર્વ પોલીસ (એસ.આર.પી.)ના જવાનો ઈન્સાસ રાઈફલો લઈને ખડે પગે ઉભા છે. જડબેસલાક સુરક્ષાની સ્થિતિમાં કોઈ ગામવાસી એક ડબલું પણ પાણી કેનાલમાંથી લઈ શકે એમ નથી. નર્મદા પાસેના ગામો વેરાન થઈ રહ્યાં છે ડેમ પાસેના નવાગામ, કેવડિયા, પીપરિયા, કોઠી, લીમડી, ભુમલિયા વગેરે ગામોની સ્થિતિ કચ્છના રણના ગામો જેવી છે. આ ગામો બંધના અસરગ્રસ્ત ગામો છે. એટલે સ્વાભાવિક રીતે જ બંધમાંથી ઉપજતા લાભો પર પહેલો હક્ક આ ગામવાસીઓનો ગણાય. પરંતુ તેમને પહેલો કે છેલ્લો એક પણ હક્ક નર્મદાના પાણી પર મળતો નથી. અહીંના વડીલો જુના દિવસો યાદ કરતાં કહે છે કે એક સમયે અમે બારેમાસ ખેતરમાં વિવિધ પાકો લઈ શકતા હતાં. બંધ બંધાયા પછી નદીનું પાણી બંધ પાછળ જ સંગ્રહાયેલું રહે છે, બંધની આગળ-હેઠવાસમાં આવેલા ગામોને પાણી મળતું નથી. પરિણામે હવે ચોમાસામાં વરસાદ આવે એ વખતે જ વાવણી થઈ શકે છે. બાકીના સમયમાં ખેતરો સુક્કા-ભઠ્ઠ પડયા રહે છે. નો સોર્સ યોજનાનું મુખ્યાલય ભુમલિયા ગામમાં છે. અહીંથી જ તમામ ગામોને પાણી વિતરીત કરવાનું છે. એ ગામને જ યોજના હેઠળ હજુ સુધી પાણી આપવામાં આવ્યુ નથી. તો પછી બીજા ગામો સુધી તો ક્યારે પહોંચે? સરકાર નર્મદા યોજનાને સફળ યોજનાનો પર્યાય ગણાવે છે અને જિવાદોરી તરીકે ઓળખાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો વારંવાર આ યોજના અટકાવવા માટે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકારની ટીકા કરતાં હતા. પણ નરેન્દ્ર મોદી પોતે વડા પ્રધાન બન્યા પછીય અહીંના ગામોની સ્થિતિ સુધારવા કશું કર્યું નથી.

સંબંધિત સમાચાર

Next Article